✕

ભારતીય ટૂરિસ્ટના મૃત્યુ પછી ન્યુ યૉર્કમાં ઘોડાગાડી પર પ્રતિબંધ આવશે?

24 October, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આ કાયદાને લાગુ કરવાનો માર્ગ મુશ્કેલ લાગે છે. ઘોડાગાડી ચલાવનારાઓ અને એમના માલિકો આ કાયદા સામે કાનૂની લડાઈ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

ન્યુ યૉર્કમાં ઘોડાગાડીમાં સપરિવાર બેઠેલો રોમાંચ મહાજન.

ઘોડાગાડીમાંથી ફેંકાઈ જવાથી ૧૮ વર્ષના ભારતીય ટૂરિસ્ટના મૃત્યુની ઘટનાએ ન્યુ યૉર્ક સિટીમાં ઘોડાગાડી પર પ્રતિબંધ મૂકવાની માગણીને વધુ મજબૂત બનાવી છે. આ સંદર્ભમાં સિટી કાઉન્સિલે જૂન ૨૦૨૮થી આવી સવારીઓ પર પ્રતિબંધ મૂકવા માટે મતદાન કર્યું છે. ગુરુવારે કાઉન્સિલે આ ખરડાની તરફેણમાં ૪૦ વિરુદ્ધ ૭ મતથી મંજૂરી આપી હતી, જ્યારે બે સભ્યોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. મેયર ઝોહરાન મામદાનીના સમર્થનવાળો આ કાયદો શહેરની સ્ટ્રીટ અને સેન્ટ્રલ પાર્કમાં લાંબા સમયથી ચાલી આવતા પ્રવાસી આકર્ષણ અને ઐતિહાસિક વ્યવસાયનો અંત લાવશે. જોકે આ નિર્ણયનો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વિરોધ કર્યો છે.

કાનૂની લડાઈની તૈયારી

જોકે આ કાયદાને લાગુ કરવાનો માર્ગ મુશ્કેલ લાગે છે. ઘોડાગાડી ચલાવનારાઓ અને એમના માલિકો આ કાયદા સામે કાનૂની લડાઈ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

૨૦૨૮થી પ્રતિબંધ આવશે

આ નિર્ણય મુજબ ૨૦૨૮ની પહેલી જૂન સુધીમાં ઘોડાગાડીની સવારી પર પ્રતિબંધ મૂકવાની યોજના છે. જુલાઈ ૨૦૨૮થી ન્યુ યૉર્કના લોકો સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારી જોઈ શકશે નહીં.

ટ્રમ્પનો વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ નિર્ણયની ટીકા કરી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘શહેરમાં કાર-અકસ્માતો થાય છે, પરંતુ એનાથી પાર્કની આસપાસ કારની અવરજવર અટકતી નથી તો ઘોડાગાડીઓ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવી રહ્યો છે? ઘોડાગાડીની એક અદ્ભુત પરંપરા છે. એના પર પ્રતિબંધથી ન્યુ યૉર્કના ઇતિહાસનો હિસ્સો સમાપ્ત થઈ જશે.’

૧૭ જૂને ટૂરિસ્ટનું મૃત્યુ

૧૭ જૂને ૧૮ વર્ષના રોમાંચ મહાજન નામના ટૂરિસ્ટનું મૃત્યુ થયું હતું. મહાજનના પરિવારનો ફોટો પાડવા માટે ઘોડાગાડીનો ડ્રાઇવર ગાડીને બાંધીને થોડે દૂર ગયો અને એ જ સમયે ઘોડો બેકાબૂ થઈને દોડવા લાગ્યો હતો. એ સમયે રોમાંચ મહાજન ઘોડાગાડીમાંથી બહાર ફેંકાઈ ગયો અને તેને જીવલેણ ઈજાઓ થઈ હતી. ઉપચાર વખતે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.

new year united states of america new york city international news road accident