16 May, 2025 07:00 AM IST | Qatar | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
India US Tariffs: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો દાવો કરનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે વધુ એક મોટું નિવેદન આપ્યું. કતારની રાજધાની દોહામાં તેમણે કહ્યું કે ભારતે અમેરિકાને `ઝીરો ટેરિફ ટ્રેડ ડીલ` ઑફર કરી છે. અને ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે નિવેદન આપ્યું છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર ટેરિફ અંગે વાતચીત ચાલી રહી છે. અમેરિકાએ ભારત પર 26 ટકા ડ્યુટી લાદ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. આ નિવેદનને 90 દિવસની ભારત-પાકિસ્તાન `સિઝફાયર વિન્ડો` વાટાઘાટો દરમિયાન મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. (India US Tariffs) ટ્રમ્પે 9 એપ્રિલના રોજ `લિબ્રેશન ડે` નિમિત્તે ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેના જવાબમાં, ભારતે પણ અમેરિકા સાથે વેપાર કરાર માટે વાટાઘાટો તીવ્ર બનાવી છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પે શું કહ્યું?
દોહાની મુલાકાત દરમિયાન, ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ અંગે પણ એક મોટું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, “ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે અને આની જાહેરાત સૌપ્રથમ 10 મેના રોજ અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. ખૂબ લાંબી વાતચીત પછી આ શક્ય બન્યુ હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો છે કે તેમણે એપલના સીઈઓ ટિમ કુક સાથે વાત કરી છે અને તેમના ભારતમાં એપલના ઉત્પાદનનો વિસ્તાર ન કરવા માટે કહ્યું છે. બ્લૂમબર્ગના રિપૉર્ટમાં આનો દાવો કરવામાં આવ્યો છે. (India US Tariffs) અહેવાલો મુજબ, ટ્રમ્પે દોહામાં એક કાર્યક્રમમાં ટિમ કુકને કહ્યું કે તમે ભારતમાં નિર્માણ કરવામાં કોઈ રસ ન લો. તે પોતાનો ખ્યાલ પોતે રાખી શકે છે. તે ખૂબ જ સારું કરી રહ્યા છે.
બળજબરીથી મધ્યસ્થી કરવાનો પ્રયાસ
ભારત-પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતના વારંવાર ઇનકાર છતાં બળજબરીથી મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે બંને દેશો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે બળજબરીથી સરપંચ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાઉદી અરેબિયામાં એક સંબોધન દરમિયાન, ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામને તેમની સરકારની શાંતિ સ્થાપવાની સિદ્ધિ ગણાવી. તેમણે તો એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે ડિનર પર જવું જોઈએ જેથી તણાવ વધુ ઓછો થઈ શકે. તમને એ પણ જણાવી દઈએ કે ભારત વારંવાર કહી ચૂક્યું છે કે પાકિસ્તાન સાથે ફક્ત PoK અને આતંકવાદ પર જ વાતચીત થશે. અને ભારતને બીજા કોઈની મધ્યસ્થી સ્વીકાર નથી.