17 May, 2025 06:49 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
એસ. જયશંકર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે વિદેશમંત્રી એસ જયશંકરે તાલિબાનના વિદેશમંત્રી સાથે વાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન આ બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારી કાઢવાના નિર્ણયને અફઘાનિસ્તાન દ્વારા આવકારવામા આવ્યો હતો. (India-Taliban) વિદેશ મંત્રી એસ. જયશંકરે તાલિબાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે પ્રથમ વાર વાતચીત કરી છે. એસ જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ મુત્તાકીનો પણ આભાર માન્યો હતો.
તમને એ પણ જણાવી દઈએ કે જયશંકર અને તાલિબાનના વિદેશ મંત્રી વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે તાલિબાન સરકારે જાહેરમાં પહલગામ હુમલાની નિંદા કરી હતી. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 7 મેના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ સામેલ હતા.
ગુરુવારે ટેલિફોનિક વાતચીતમાં જયશંકરે અફઘાન લોકો (India-Taliban) સાથે ભારતની પરંપરાગત મિત્રતાને યાદ કરી હતી. આ સાથે જ તેમની વિકાસલક્ષી જરૂરિયાતો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે આ બાબતની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
જયશંકરે ઈન્ટરનેટ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે- અફઘાનિસ્તાન (India-Taliban)ના કાર્યકારી વિદેશ મંત્રી મુત્તાકી સાથે તેમની વાતચીત ખૂબ જ સારી રહી. તેઓએ પહલગામ હુમલાની નિંદા કરી છે. જેની અમે પ્રશંસા કરીએ છીએ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અવિશ્વાસ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયાસોને તેમણે તાજેતરમાં જે રીતે નકારી કાઢ્યા છે તેનું પણ અમે સ્વાગત કરીએ છીએ.
વિદેશમંત્રી એસ જયશંકરે આગળ જણાવ્યું હતું કે અફઘાનના લોકો સાથેની અમારી જૂની મિત્રતા અને તેમની વિકાસ જરૂરિયાતો માટે અમારા સતત સમર્થન પર વધુ ભાર પણ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ તેઓની સાથે સહયોગ વધારવાના વિકલ્પ અને અને માધ્યમોની ચર્ચા કરવામાં આવી.
જોકે એ વાત પણ નોંધવી જ રહી કે ભારત અને તાલિબાન (India-Taliban) વચ્ચે રાજકીય સ્તરે સત્તાવાર વાતચીત થઈ હોય તેવું આ પહેલીવાર બન્યું છે. ભારતે હજુ સુધી તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપી નથી. આ પહેલા જાન્યુઆરી 2025માં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી દુબઈમાં મુત્તાકીને મળ્યા હતા.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના વિશેષ દૂત આનંદ પ્રકાશ, વિદેશ મંત્રાલયમાં અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન વિભાગના મહાનિદેશક, તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીને મળવા માટે કાબુલ ગયા હતા. તેમની ચર્ચા દ્વિપક્ષીય રાજકીય સંબંધોને મજબૂત કરવા, વેપાર અને પરિવહન સહકાર વધારવા અને તાજેતરના પ્રાદેશિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કરવા પર કેન્દ્રિત હતી.