12 September, 2025 10:27 AM IST | switzerland | Gujarati Mid-day Correspondent
ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગી
સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાયેલા યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ના ૬૦મા સત્રની પાંચમી બેઠકમાં ભારતીય ડિપ્લોમેટ ક્ષિતિજ ત્યાગીએ સ્વિટ્ઝરલૅન્ડને સીધું સંભળાવી દીધું હતું. ભારતને અલ્પસંખ્યકોની સુરક્ષા કરવાની સલાહ આપનારા સ્વિટ્ઝરલૅન્ડને ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ડિપ્લોમેટ ક્ષિતિજ ત્યાગીએ સ્વિટ્ઝરલૅન્ડના નિવેદનને આશ્ચર્યજનક, ઉપરછલ્લું અને અજ્ઞાનપૂર્ણ ગણાવીને કહ્યું હતું કે ‘સ્વિટ્ઝરલૅન્ડ અત્યારે UNHRCની અધ્યક્ષતા કરી રહ્યું છે એટલે એના માટે જરૂરી છે કે એ આવી પાયાવિહોણી અને વાસ્તવિકતાથી દૂર હોય એવી વાતોમાં કાઉન્સિલનો સમય બરબાદ ન કરે.
ભારતની ટીકા કરવાને બદલે એણે પોતાને ત્યાં રહેલા પડકારો જેમ કે નસ્લવાદ, આયોજનપૂર્વક થતા ભેદભાવ, વિદેશીઓ પ્રત્યે દ્વેષ વગેરેનો વિચાર કરવો જોઈએ.’ ક્ષિતિજ ત્યાગીએ એવું પણ કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા, વૈવિધ્યપૂર્ણ અને જીવંત લોકતંત્રના રૂપમાં ભારત સ્વિટ્ઝરલૅન્ડને આ પડકારોનો સામનો કરવામાં મદદ કરવા તૈયાર છે.
શું કહ્યું હતું સ્વિટ્ઝરલૅન્ડે?
UNHRCની બેઠકમાં સ્વિટ્ઝરલૅન્ડે કહ્યું હતું કે ભારતની સરકારને અમે આહવાન કરીએ છીએ કે એ અલ્પસંખ્યકોની સુરક્ષા માટે પ્રભાવક પગલાં ભરે તેમ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા મીડિયાની સ્વતંત્રતાના અધિકારોને જાળવી રાખે.