06 September, 2025 10:32 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
રણધીર જાયસવાલ, પીટર નવારો
અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકાર પીટર નવારોની બ્રાહ્મણો વિશેની વિવાદાસ્પદ ટિપ્પણીનો ભારતે જવાબ આપ્યો હતો. ગઈ કાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ અંગે પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘પીટર નવારોની ટિપ્પણી એકદમ ખોટી અને ભ્રામક છે. અમે એને નકારીએ છીએ. અમારા માટે અમેરિકા સાથેનો સંબંધ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બન્ને દેશ વચ્ચે એક વ્યાપક વૈશ્વિક રણનૈતિક ભાગીદારી છે. આ ભાગીદારી બન્ને દેશનાં હિતો, લોકતાંત્રિક મૂલ્યો અને મજબૂત પીપલ-ટુ-પીપલ કનેક્ટ પર આધારિત છે. આ ભાગીદારી પહેલાં પણ અનેક પડકારો તેમ જ પરિવર્તનોનો સામનો કરી ચૂકી છે. બન્ને દેશ વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન અને હિતોના આધારે આગળ વધતા રહેશે એવી અમને આશા છે.’
શું કહ્યું હતું પીટર નવારોએ?
પીટર નવારોએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રશિયા માટે ભારત માત્ર એક ધોબીઘાટ છે જ્યાંથી એનું તેલ રિફાઇન થઈને વેચાઈ રહ્યું છે. ભારતના લોકો સમજે કે અહીં શું થઈ રહ્યું છે. રશિયાના તેલના વેપારથી માત્ર ભારતના બ્રાહ્મણો નફો કમાઈ રહ્યા છે અને એનો ભોગ ભારતીય જનતા બની રહી છે.’