25 December, 2025 06:27 PM IST | Karachi | Gujarati Mid-day Online Correspondent
મૌલાના ફઝલુર રહેમાન
પાકિસ્તાનના વરિષ્ઠ ધાર્મિક નેતા અને રાજકારણી મૌલાના ફઝલુર રહેમાને કાબુલ સામે ઇસ્લામાબાદની લશ્કરી કાર્યવાહી અને ભારતના ઑપરેશન સિંદૂર સાથે સરખામણી કરી છે. "જો તમે કાબુલ પરના હુમલાને એટલા માટે વાજબી ઠેરવો છો કારણ કે તમારા દુશ્મનો ત્યાં છે, તો પછી જ્યારે ભારત પાકિસ્તાનની અંદર તેના દુશ્મનોને નિશાન બનાવે છે ત્યારે તમારી પ્રતિક્રિયા બદલાયેલી હોય છે?" મૌલાના ફઝલુર રહેમાને પૂછ્યું. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા તે બાદ આ નિવેદન આવ્યું છે. આ હુમલામાં સામાન્ય લોકો માર્યા ગયા હતા. મૌલાનાએ અસીમ મુનીરના નેતૃત્વમાં પાકિસ્તાની સેનાની નિંદા કરી હતી. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-એફ (JUI-F) ના વડા મૌલાના ફઝલુર રહેમાને ઇસ્લામાબાદના લૉજિક પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. "જો પાકિસ્તાનની સરહદ પારથી અફઘાનિસ્તાન પર થયેલા હુમલા વાજબી છે, તો જ્યારે ભારત આતંકવાદીઓને ખતમ કરવા માટે પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે, તો તેનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી," મૌલાના ફઝલુર રહેમાને સ્પષ્ટ કહ્યું.
રહેમાન કરાચીના પ્રખ્યાત લ્યારીમાં `મજલિસ-એ-ઇત્તેહાદ-એ-ઉમ્મત` પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. "જો તમે કહો છો કે અમે અફઘાનિસ્તાનમાં દુશ્મન પર હુમલો કર્યો છે, તો તમે તેને યોગ્ય ઠેરવો છો, તો ભારત પણ કહી શકે છે કે તેમણે બહાવલપુર, મુરીદકેમાં તેમના દેશમાં થયેલા હુમલા માટે જવાબદાર જૂથોના મુખ્યાલય પર હુમલો કર્યો હતો. તો, તમે તેનો કેવી રીતે વાંધો ઉઠાવી શકો છો? હવે પાકિસ્તાન અફઘાનિસ્તાન પર એક જ આરોપ લગાવી રહ્યું છે. તમે બન્ને બાબતોને કેવી રીતે યોગ્ય ઠેરવી શકો છો?" મૌલાના ફઝલુર રહેમાને આ ઉશ્કેરણીજનક પ્રશ્નો આસીમ મુનીરને પૂછ્યા છે.
7 મેની મધ્યરાત્રિએ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આમાં, જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય બહાવલપુરમાં હતું અને લશ્કર-એ-તૈયબાનો ઠેકાણું મુરીદકેમાં હતું. 22 એપ્રિલે, પહલગામમાં ભારતીય પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. તેનો બદલો લેવા માટે ઑપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 26 નિર્દોષ પર્યટકો, જેમાં એક સ્થાનિક નાગરિકનો પણ સમાવેશ થાય છે તેની હત્યા કરી હતી. આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા ચોકસાઈથી ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ વળતો જવાબ આપ્યો હતો. તેઓએ પણ ડ્રોન અને અન્ય શસ્ત્રોથી ભારતના ઘણા શહેરો અને ગામડાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ હવામાં આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને બધા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી.