✕

અમેરિકામાં ‘હિલેરી’એ વિનાશ વેર્યો

22 August, 2023 12:55 PM IST  |  Marina del Rey | Gujarati Mid-day Correspondent

વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ: વૃક્ષો જમીનદોસ્ત, અઢી કરોડ લોકોને પૂરની ચેતવણી, ૧૮૦૦થી વધારે ફ્લાઇટ્સ કૅન્સલ

વાવાઝોડું લૉસ એન્જલસમાંથી પસાર થયું ત્યારે ડૉજર સ્ટેડિયમમાં રવિવારે સાંજે ભારે વરસાદના પગલે પાણી ભરાયું હતું.

અમેરિકાના કૅલિફૉર્નિયાના દ​ક્ષિણ ભાગમાં ઉષ્ણ કટિબંધીય વાવાઝોડા હિલેરીને કારણે ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હિલેરીને કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો આખા વર્ષમાં ઍવરેજ વરસાદ પડે છે એનાથી અડધાથી વધુ વરસાદ એક જ દિવસમાં પડી ગયો છે. અનેક વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયાં છે. કૅલિફૉર્નિયાના વિશાળ એરિયા પર ત્રાટક્યા બાદ ગઈ કાલે વહેલી સવારે આ વાવાઝોડું નેવેડામાં પ્રવેશ્યું હતું. અઢી કરોડ લોકોને પૂરની ચેતવણી આપવામાં આવી છે.

કૅલિફૉર્નિયાના ઓક ગ્લેનમાં ‘હિલેરી’ વાવાઝોડા દરમ્યાન નુકસાનગ્રસ્ત રોડ અને પૂરનાં પાણી. અહીં અનેક રસ્તા ધોવાઈ ગયા છે

કૅલિફૉર્નિયાના દ​ક્ષિણ ભાગ અને નેવેડાના અનેક વિસ્તારમાં ગઈ કાલે સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. આ વાવાઝોડું ૩૫ માઇલ પ્રતિ કલાકની સ્પીડે આગળ વધી રહ્યું છે. નેવેડામાં ગવર્નર જો લોમ્બાર્ડોએ ઇમર્જન્સી જાહેર કરી છે અને જણાવ્યું છે કે ઍડ્મિનિસ્ટ્રેશન લોકલ સરકારની સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરશે. વીક-એન્ડમાં ૧૦૦૦થી વધારે ફ્લાઇટ્સને કૅન્સલ કરવામાં આવી હતી અને ગઈ કાલે સવારે લગભગ ૮૦૦ જેટલી વધુ ફ્લાઇટ્સને કૅન્સલ કરવામાં આવી હતી.

કૅલિફૉર્નિયાના પામ ડેઝર્ટ સિટીમાં રવિવારે હિલેરી વાવાઝોડાને કારણે પડેલા ભારે વરસાદથી પાણીમાં ડૂબેલા રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો.  (તસવીર : એ.પી./પી.ટી.આઇ.)

નેવેડાના હેરી રીડ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ, સૅન ડિયેગો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને ફૉનિક્સના સ્કાય હાર્બર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી છે. હિલેરી ૧૯૯૭માં નોરા પછી મેક્સિકોમાંથી કૅલિફૉર્નિયામાં પ્રવેશનારું પહેલું ઉષ્ણ કટિબંધીય વાવાઝોડું છે. 

california international news world news