28 July, 2025 07:01 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
યુનાઇટેડ કિંગડમ (UK)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચા પીરસનાર અખિલ પટેલ
એક વિચાર કેવી રીતે જીવન બદલી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ યુનાઇટેડ કિંગડમ (UK)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચા પીરસનારા અખિલ પટેલનું છે. બ્રિટનની પ્રતિષ્ઠિત લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ (LSE)માં અભ્યાસ કરનાર અખિલ પટેલ પાસે ડેટા-ઍનલિસ્ટ તરીકે સારી નોકરી હતી. ૨૦૧૮માં તે ભારતમાં લદ્દાખની મુલાકાતે આવ્યો હતો. હિમાલયની ખીણોમાં ફરતી વખતે તેણે એક જગ્યાએ ચા પીધી. ચા પીતી વખતે તેને વિચાર આવ્યો કે લંડનમાં પણ મસાલા ચાનો વ્યવસાય કેમ ન શરૂ કરવામાં આવે? બીજા જ વર્ષે તેણે એક ચા-કંપની ખોલી. તેનું નામ અમલા ચા રાખ્યું. અખિલ પટેલે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરના નિવાસસ્થાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચા પીરસી એટલે તે હાલમાં ન્યુઝમાં છે. વડા પ્રધાન મોદીએ પોતે આ ફોટો શૅર કર્યો છે. અખિલ પટેલનો આ ખાસ સ્ટૉલ કીર સ્ટાર્મરના નિવાસસ્થાન ચેકર્સમાં બનાવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીને મસાલા ચાનો કપ આપતાં અખિલે કહ્યું હતું કે એક ચા વેચનાર બીજા ચા વેચનારને ચા પીરસી રહ્યો છે. અખિલના આ નિવેદન પર મોદી અને સ્ટાર્મર પણ હસી પડ્યા હતા.