11 January, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફરાઝ નિઝામી
પાકિસ્તાનમાં ફરી એક વાર અલ્પસંખ્યક હિન્દુઓ પર હિંસા થવાની ઘટના સામે આવી છે. સિંધ પ્રાંતમાં પચીસ વર્ષના કૈલાશ કોહલી નામના ખેડૂતની સ્થાનિક જમીનદાર સરફરાઝ નિઝામીએ ગોળી મારીને હત્યા કરી હોવાનો આરોપ છે.
આરોપ હતો કે જમીનદારની જમીન પર એક નાનકડી ઝૂંપડી બનાવી હોવાને કારણે વિવાદ થયો હતો. આ ઘટના બાદ ગુરુવારે સિંધ પ્રાંતના બદીન જિલ્લામાં હજારોની સંખ્યામાં હિન્દુઓ અને સ્થાનિક લોકો રોડ પર પ્રદર્શન માટે ઊતરી આવ્યા હતા. લગાતાર બે દિવસ સુધી ભીડે કલાકો સુધી રસ્તા ચક્કાજામ કરીને પ્રશાસનના નાકે દમ લાવી દીધો હતો. સામાજિક કાર્યકર્તાઓ અને પાકિસ્તાની અલ્પસંખ્યક સમુદાયના નેતા શિવા કાચ્છીએ કહ્યું હતું કે ‘કૈલાશ કોહલીના હત્યારાઓને પકડવાની માગણી સાથે હજારોની સંખ્યામાં લોકોએ સવારે ૧૦ વાગ્યાથી મોડી રાત સુધી રોડ પર ધરણાં કર્યાં હતાં. આ માત્ર વિરોધ નથી, પરંતુ જખમી ઝમીરનો અવાજ છે.’
પહેલાં કૈલાશ કોહલીના પરિવારે શબને રોડ પર મૂકીને પ્રદર્શન કર્યું હતું. એ વખતે પોલીસે આરોપીને પકડવાનું આશ્વાસન આપીને શબના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. આ વિરોધ-પ્રદર્શનમાં અનેક રાજનીતિક, રાષ્ટ્રવાદી, ધાર્મિક અને સામાજિક સંગઠનોના નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા.
બંગલાદેશે ભારત પાસેથી કાંદાની નવી ખરીદી પર બ્રેક લગાવી દીધી: નાશિકના ખેડૂતોને થયું ૧૭૫થી ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન
બંગલાદેશ સરકારે ભારત પાસેથી કાંદા લેવાની નવી આયાતની પરમિટ આપવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણય ખાસ કરીને હિલી લૅન્ડ પોર્ટથી થતી કાંદાની આયાત પર લાગુ પડે છે. ભલે બંગલાદેશ સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું હોય, પરંતુ પહેલેથી અપાયેલી પરમિટ પર ૩૦ જાન્યુઆરી સુધી ઇમ્પોર્ટ થઈ શકશે. બંગલાદેશમાં નવી પરમિટ ન મળતી હોવાથી ભારતમાંથી થતી નિકાસ ખૂબ ઘટી ગઈ છે. હાલમાં નાશિક જિલ્લામાંથી રોજ પચાસથી ૫ંચાવન ટ્રકો ભરીને બંગલાદેશને લગભગ ૧૫૦૦ ટન કાંદા એક્સપોર્ટ કરવામાં આવે છે. જોકે હવે એક્સપોર્ટ ધીમી પડી જવાથી નાશિકની લાસલગાંવ ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી સહિત પૂરા નાશિક જિલ્લામાં કાંદાની કિંમત ગગડી ગઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં નાશિક જિલ્લાના અલગ-અલગ માર્કેટમાંથી લગભગ ૨૦ લાખ ક્વિન્ટલ કાંદા આવ્યા છે ત્યારે કાંદાની કિંમત ગગડવાથી ખેડૂતોને લગભગ ૧૭૫થી ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.