15 January, 2026 02:21 PM IST | Oman | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે INSV કૌંડિન્ય ઓમાનના મસ્કતના દરિયાકિનારે પહોંચ્યું હતું.
ભારતીય નેવીનું પૌરાણિક પાલ વિધિથી બનેલું જહાજ INSV કૌંડિન્ય ગઈ કાલે ૧૮ દિવસની યાત્રા પૂરી કરીને ગુજરાતથી ઓમાન પહોંચી ગયું હતું. કૌંડિન્ય ૨૯ ડિસેમ્બરે પોરબંદરથી નીકળ્યું હતું અને ગઈ કાલે ઓમાનના મસ્કત પહોંચ્યું હતું. આ યાત્રાનો હેતુ હતો ભારતની પ્રાચીન સમુદ્રી વિરાસતને પુનર્જીવિત કરવી. આ જહાજ પાંચમી શતાબ્દીના ભારતીય જહાજોના મૉડલ પરથી બન્યું છે અને એમાં કોઈ ખીલાનો કે ધાતુનો ઉપયોગ કર્યા વિના માત્ર લાકડીઓને ચોક્કસ રીતે રસ્સીઓથી સીવીને બનાવવામાં આવ્યું હતું. એમાં કોઈ રૂમ નહોતી. ક્રૂ મેમ્બર્સ ખુલ્લા જહાજમાં સ્લીપિંગ બૅગમાં જ સૂતા હતા. એના પર ઇલેક્ટ્રિસિટી પણ નહોતી. અન્ય જહાજોને ચેતવણી આપવા માટે તેમની પાસે માત્ર હૅન્ડલૅમ્પ્સ હતા જે ક્રૂ મેમ્બર્સ પોતાના માથા પર લગાવી રાખતા હતા. લગાતાર ૧૮ દિવસ દરિયામાં ક્યાંય હૉલ્ટ લીધા વિના ઓમાન સુધી પહોંચવાની સફર ખરેખર કઠિન હતી, કેમ કે ક્રૂ મેમ્બરોએ આટલા દિવસો માત્ર ખીચડી-અથાણું ખાઈને જ જીવ ટકાવ્યો હતો. માટલામાં પીવાનું પાણી ભરીને તેઓ સાથે લઈ ગયા હતા.