એક ભૂલને લીધે ગૂગલની પેરન્ટ કંપનીને ૮૨૬૨.૧૫ અબજ રૂપિયાનું નુકસાન થયું

10 February, 2023 10:13 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નવા ચૅટબોટે પ્રમોશનલ વિડિયોમાં અચોક્કસ માહિતી આપી, જેના કારણે આ પ્રમોશનલ વિડિયોથી આ કંપનીને ફાયદા કરતાં અનેકગણું નુકસાન થયું

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

વૉશિંગ્ટન : ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કની બજારમૂડીમાં એક ભૂલના કારણે બુધવારે ૧૦૦ અબજ ડૉલર (૮૨૬૨.૧૫ અબજ રૂપિયા)નો ઘટાડો થયો છે. એના નવા ચૅટબોટે એક પ્રમોશનલ વિડિયોમાં ખોટી માહિતી આપી હતી, જેના કારણે આ પ્રમોશનલ વિડિયોથી આ કંપનીને ફાયદા કરતાં અનેક ગણું નુકસાન થયું છે, જેની સાથે જ આલ્ફાબેટ એના હરીફ માઇક્રોસૉફ્ટ કૉર્પની સામે કેવી રીતે ટક્કર લેશે એને લઈને સવાલો થઈ રહ્યા છે.  

ચૅટબોટ બાર્ડ માટેની ગૂગલની જાહેરાતમાં એક ભૂલ પ્રત્યે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. આ ઍડ સોમવારે આવી હતી.

માઇક્રોસૉફ્ટે સ્ટાર્ટઅપ ઑપનએઆઇમાં દસ અબજ ડૉલર (૮૨૬.૨૧ અબજ રૂપિયા)નું રોકાણ કર્યા બાદ ગૂગલ સામે પડકાર ઊભો થયો છે.

નોંધપાત્ર છે કે ટેક્નૉલૉજીની દુનિયામાં છેલ્લા કેટલાક વખતથી એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) વૉરની ચર્ચા થઈ રહી છે, જ્યાં એક બાજુ માઇક્રોસૉફ્ટ અને એના બિઝનેસ પાર્ટનર ઑપનએઆઇનું ચૅટજીપીટી છે તો બીજી બાજુ ગૂગલનું બાર્ડ છે.

બુધવારે ગૂગલના લાઇવ-સ્ટ્રીમ્ડ પ્રેઝન્ટેશનમાં બાર્ડને કેવી રીતે અને ક્યારે એના મુખ્ય સર્ચ ફન્ક્શનમાં જોડી દેવામાં આવશે એના વિશેની વિગતો આપવામાં આવી નહોતી. ગૂગલના પ્રેઝન્ટેશન પહેલાં જ બાર્ડની ભૂલ ધ્યાનમાં આવી હતી. માઇક્રોસોફ્ટ અને ગૂગલ બંને આ એઆઇ વૉરમાં પોતાની જાતને મજબૂત કરવા સતત પ્રયાસ કરે છે.  

કઈ ભૂલના લીધે થયું નુકસાન?

પ્રમોશનલ વિડિયોમાં બાર્ડને સવાલ કરવામાં આવ્યો હતો કે ‘મારા નવ વર્ષના બાળકને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કૉપની કઈ નવી શોધ વિશે હું કહી શકું?’ જેના જવાબના એક મુદ્દામાં જણાવવામાં આવ્યું હતું કે ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કૉપનો ઉપયોગ પૃથ્વીની સોલર સિસ્ટમની બહારના ગ્રહના સૌપ્રથમ ફોટોગ્રાફ્સ કૅપ્ચર કરવા માટે થયો હતો.’ જોકે સાચો જવાબ એ છે કે ૨૦૦૪માં યુરોપિયન સાઉધર્ન ઑબ્ઝર્વેટરીના વીએલટી (વેરી લાર્જ ટેલિસ્કૉપ)એ સોલર સિસ્ટમની બહારના ગ્રહના સૌપ્રથમ ફોટોગ્રાફ્સ કૅપ્ચર કર્યા હતા.

international news washington google tech news technology news microsoft