યુદ્ધના કારણે દુબઈમાં અટવાયેલું સોનું ડિસ્કાઉન્ટમાં વેચવા કાઢ્યું, પ્રતિ ૧૦ ગ્રામે ૯૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

08 March, 2026 12:31 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જાન્યુઆરી મહિનામાં ભારે આયાત થઈ હોવાથી સોનાનો પર્યાપ્ત જથ્થો છે.

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે બુલિયન શિપમેન્ટ ખોરવાઈ ગયાં હોવાથી દુબઈમાં અટવાયેલું સોનું પ્રતિ ઔંસ (આશરે ૩૩ ગ્રામ) ૩૦ ડૉલરના ડિસ્કાઉન્ટમાં વેચાઈ રહ્યું છે જે ભારતીય મુદ્રામાં પ્રતિ ૧૦ ગ્રામ ૯૦૦ રૂપિયા થવા જાય છે. ઊંચા શિપિંગ અને વીમાખર્ચને કારણે ઘણા ખરીદદારોએ ઑર્ડર અટકાવ્યા હોવાથી દુબઈના બુલિયન વેપારીઓને કિંમત ઘટાડવાની ફરજ પડી છે. 
યુદ્ધને કારણે ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ છે અને સપ્લાયર્સને સોનાનો જથ્થો પહોંચાડવાની ક્ષમતામાં અવરોધ ઊભો થયો છે. ઘણા ખરીદદારો નવા ઑર્ડર આપી રહ્યા નથી. પરિણામે સ્ટોરેજ અને ભંડોળ માટે અનિશ્ચિત સમય માટે ચુકવણી કરવાને બદલે વેપારીઓ લંડનમાં વૈશ્વિક બેન્ચમાર્ક પર ૩૦ ડૉલર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. શુક્રવારે ઘણાં શિપમેન્ટ અટવાયેલાં રહ્યાં હતાં. જોકે આ અઠવાડિયાના મધ્યથી દુબઈથી જતી પૅસેન્જર ફ્લાઇટ્સમાં કેટલાક સોનાનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો.

દુબઈ એશિયાભરના ખરીદદારોનું સોનાના શુદ્ધીકરણ અને નિકાસ માટેનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે તેમ જ સ્વિટ્ઝરલૅન્ડ, યુનાઇટેડ કિંગડમ અને ઘણા આફ્રિકન દેશોમાંથી શિપમેન્ટ માટેનો એક માર્ગ છે. 

સોનાનું પરિવહન સામાન્ય રીતે પૅસેન્જર વિમાનોના કાર્ગો હોલ્ડમાં કરવામાં આવે છે. ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ અને લૉજિસ્ટિક્સ કંપનીઓ સાઉદી અરેબિયા અને ઓમાન જેવા દેશોના ઍરપોર્ટ પર સોનાના કાર્ગોનું પરિવહન કરવામાં અનિચ્છા રાખે છે, કારણ કે એમાં જોખમ વધારે છે. આથી આવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ભારતમાં જાન્યુઆરી મહિનામાં ભારે આયાત થઈ હોવાથી સોનાનો પર્યાપ્ત જથ્થો છે.

international news world news dubai iran israel united states of america commodity market gold silver price