ગ્વાડા નેગેટિવ નામનું ૪૮મું બ્લડ-ગ્રુપ શોધાયું, આવું લોહી ધરાવે છે વિશ્વમાં એકમાત્ર મહિલા

28 June, 2025 06:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના રિસર્ચરોએ આ બ્લડ-ગ્રુપ ઓળખવા ૨૦૧૧માં સંશોધન શરૂ કર્યું, ૮ વર્ષ સુધી રિસર્ચ અને DNA સીક્વન્સિંગ પછી ૨૦૧૯માં એને નવા બ્લડ-ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્યું, કુલ ૧૪ વર્ષ પછી એને સંપૂર્ણ માન્યતા મળી

પ્રતીકાત્મક તસવીર

ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ કૅરિબિયન ટાપુ ગ્વાડેલુપની એક મહિલામાં એક નવું બ્લડ-ગ્રુપ શોધી કાઢ્યું છે. આ નવા બ્લડ-ગ્રુપનું નામ ‘ગ્વાડા નેગાટી’ (ગ્વાડા નેગેટિવ) રાખવામાં આવ્યું છે. આ સંદર્ભમાં ફ્રેન્ચ બ્લડ એસ્ટાબ્લિશમેન્ટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ લિન્ક્ડઇન પરની એક પોસ્ટમાં આ નવા બ્લડ-ગ્રુપની શોધ વિશે માહિતી આપી છે. 

૨૦૧૧માં એક સર્જરી પહેલાં મહિલાના બ્લડના નમૂના લેવામાં આવ્યાનાં ૧૫ વર્ષ પછી આ દુર્લભ બ્લડ-ગ્રુપ શોધી કાઢવામાં આવ્યું હતું. આ વિશ્વની ૪૮મી બ્લડ-ગ્રુપ સિસ્ટમની ઓળખ દર્શાવે છે. નવાઈની વાત એ છે કે આવું લોહી ધરાવતી તે વિશ્વની એકમાત્ર મહિલા છે.

આ દુર્લભ ગ્રુપનું લોહી ધરાવતી ૫૪ વર્ષની મહિલાને ૨૦૧૧માં જ્યારે એક ઑપરેશન કરવા માટે બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂર પડી ત્યારે તેનું લોહી અન્ય કોઈ ડોનરના લોહી સાથે મૅચ થતું નહોતું. આના કારણે ઑપરેશન બંધ રાખવામાં આવ્યું હતું. આથી રિસર્ચરોએ આ મહિલાનું બ્લડ-ગ્રુપ ઓળખવા માટે ૨૦૧૧માં રિસર્ચ શરૂ કર્યું હતું. રિસર્ચરોએ તેનું હીમોગ્લોબિન સામાન્ય રીતે વધારવાનો પ્રયાસ કર્યો અને ૮ વર્ષના રિસર્ચ અને ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સીક્વન્સિંગ પછી ૨૦૧૯માં એને એના નવા બ્લડ-ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્યું. હવે કુલ ૧૪ વર્ષ પછી એને એક નવા બ્લડ-ગ્રુપ તરીકે સંપૂર્ણ માન્યતા આપવામાં આવી છે. રિસર્ચરોનો દાવો છે કે આ મહિલાને આ બ્લડ-ગ્રુપ તેનાં માતા-પિતા પાસેથી મળ્યું હશે. વિશ્વમાં દુર્લભ ABO જૂથનાં રક્તજૂથોને ઓળખવાનું કાર્ય ૧૯૦૦માં શરૂ થયું હતું.

international news world news france