06 September, 2025 10:55 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉને ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે ૨૬ દેશોએ યુદ્ધ પૂરું થઈ ગયા પછી યુક્રેનની સુરક્ષા માટે એક સંયુક્ત સૈન્ય પૂરું પાડવાનું વચન આપ્યું છે.
યુક્રેનની મદદ માટે સંગઠિત થયેલા ૩૫ દેશોના પ્રતિનિધિઓએ પૅરિસમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ પછી મૅક્રૉને જાહેરાત કરી હતી કે ‘૨૬ દેશો યુક્રેનની મદદ માટે તૈયાર છે અને જળ, જમીન, આકાશ એમ ત્રણેય સૈન્ય પૂરાં પાડવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે દિવસે યુદ્ધ પૂરું થશે એ જ દિવસથી આ તમામ દેશો યુક્રેનની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ હશે. આ સંયુક્ત સૈન્ય રશિયા સામે યુદ્ધે ચડવા કે સંઘર્ષમાં ઊતરવા માટે આતુર નહીં હોય, પણ રશિયાની આક્રમકતાને આગળ વધતી અટકાવવાના હેતુ સાથે સજ્જ રહેશે.’
આ પહેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યુક્રેનના પ્રેસિડન્ટ તથા અમેરિકાના રાજદૂત સાથે પણ મીટિંગ કરી હતી અને યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટેની વાટાઘાટોને આગળ વધારી હતી.
અલબત્ત, ૨૬ દેશોના સૈન્યની વાતને અમેરિકાનો પણ ટેકો હોવાના અહેવાલો આવતાં જ રશિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે શાંતિ માટે કોઈ કરાર પર સહમતી સધાય નહીં ત્યાં સુધી જો કોઈ પણ દેશના સૈનિકો યુક્રેનમાં દેખાશે તો તેમને ઠાર કરવામાં આવશે.
પુતિને અગાઉ પણ યુક્રેનમાં શાંતિ માટે અન્ય દેશોના કે સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો રાખવાનો વિરોધ કર્યો છે. પુતિને એવું કહ્યું હતું કે યુક્રેનમાં અન્ય દેશના સૈનિકો રશિયાની સૈના માટે યોગ્ય ટાર્ગેટ ગણવામાં આવશે.