11 September, 2025 03:37 PM IST | Nepal | Gujarati Mid-day Online Correspondent
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી
પદભ્રષ્ટ કરાયેલા નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ હિંસક જેન-ઝી વિરોધ વચ્ચે રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા પછી પહેલી વાર નિવેદન બહાર પાડ્યું. ભૂતપૂર્વ વડા પ્રધાને તાજેતરના નિવેદનમાં પણ ભારત વિરોધી વલણ જાળવી રાખ્યું છે. ઓલીએ દાવો કર્યો હતો કે ભગવાન રામના જન્મસ્થળ પરના તેમના નિવેદનોથી તેમનું રાજકીય પતન થયું. ઓલીએ ચાલુ વિરોધના મુદ્દા પર વધુ ઊંડાણપૂર્વક વાત કરી ન હતી, પરંતુ તેમના નિવેદનમાં લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરાનો ઉલ્લેખ નેપાળના ભાગ તરીકે કરવામાં આવ્યો છે.
બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા તેમના નિવેદનમાં, ઓલીએ પુષ્ટિ આપી છે કે તેઓ હજી સુધી દેશ છોડીને ભાગ્યા નથી અને હવે નેપાળ સેનાના શિવપુરી બેરેકમાં છે. ભૂતપૂર્વ વડા પ્રધાને રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના મક્કમ વલણનો પુનરાવર્તિત કર્યો, જેમાં લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા પર નેપાળના દાવાઓનો સમાવેશ થાય છે, અને એમ પણ કહ્યું કે ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યામાં નહીં પણ નેપાળમાં છે.
ભૂતપૂર્વ નેપાળ વડા પ્રધાનનું ભારત વિરોધી વલણ યથાવત
તેમણે પોતાના પક્ષને લખેલા ઓપન લેટરમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પગલાં અને નિર્ણયોથી વાકેફ છે. તેમણે કહ્યું કે તેઓ નેપાળમાં ભગવાન રામના જન્મસ્થળના દાવા પર મક્કમ છે અને લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા નેપાળનો ભાગ છે તે વાતને પણ સમર્થન આપે છે. તેમણે કહ્યું કે તેમણે પોતાના વલણમાં કઠોર રહેવાને કારણે સત્તા ગુમાવી દીધી હતી અને આ બાબતો તેમના રાજકીય પતનનું કારણ છે.
તેમણે લખ્યું “સ્વભાવે, હું થોડો જીદ્દી છું. તે જીદ વિના, કદાચ મેં આ બધા પડકારો વચ્ચે ઘણા સમય પહેલા હાર માની લીધી હોત. એ જ જીદ સાથે મેં અહીં કાર્યરત સોશિયલ મીડિયા કંપનીઓને અમારા નિયમોનું પાલન કરવા અને સ્થાનિક રીતે નોંધણી કરાવવાની માગ કરી હતી. મેં આગ્રહ રાખ્યો હતો કે લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા નેપાળના છે. મેં ભારપૂર્વક કહ્યું હતું કે ભગવાન શ્રી રામનો જન્મ નેપાળમાં થયો હતો, ભારતમાં નહીં, જેમ કે શાસ્ત્રો કહે છે. જો મેં આ સ્ટેન્ડ્સ સાથે સમાધાન કર્યું હોત, તો હું ઘણા સરળ રસ્તાઓ પસંદ કરી શક્યો હોત અને ઘણા ફાયદા મેળવી શક્યો હોત. જો લિમ્પિયાધુરા સહિત નેપાળનો નકશો સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં ન આવ્યો હોત, અથવા જો મેં બીજાઓને મારા માટે નિર્ણય લેવા દીધા હત, તો મારું જીવન ખૂબ જ અલગ હત. પરંતુ તેના બદલે, મેં મારી માલિકીની દરેક વસ્તુ રાજ્યને આપી દીધી. મારા માટે, પદ અને પ્રતિષ્ઠા ક્યારેય મહત્વની નહોતી,” તેમણે પત્રમાં કહ્યું.