28 October, 2026 11:34 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
મૉડલ અને ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝરલૅન્ડ બીટ્રિસ ક્યુલ અને ટ્રમ્પ
અમેરિકામાં હાઉસ જુડિશ્યરી કમિટીના ડેમોક્રૅટ્સ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૉડલ અને ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝરલૅન્ડ બીટ્રિસ ક્યુલે આરોપ લગાવ્યો છે કે નવેમ્બર ૧૯૯૩માં નવેમ્બર મહિનામાં ન્યુ યૉર્ક સિટીની પ્લાઝા હોટેલના એક સ્વીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેના પર બળાત્કાર કર્યો હતો. એ સમયે તે ૨૪ વર્ષની હતી.
બીટ્રિસ ટ્રમ્પ સાથે સંકળાયેલા અમેરિકન ડ્રીમ પેજન્ટ દરમ્યાન એક પ્રેસ-લંચમાં મળી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે તેના સહયોગી પાઓલો ઝામ્પોલી દ્વારા તેને અમેરિકન વીઝાની વ્યવસ્થા કરવામાં અને તેને ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં મદદ કરવાની ઑફર કરી હતી. બ્રીટ્રિસે તપાસકર્તાઓને એમ પણ કહ્યું કે તેણે આ કાર્યક્રમમાં જેફરી એપ્સટીન સાથે વાત કરી હતી. ટ્રમ્પે તેને એક હોટેલના સ્વીટમાં આમંત્રણ આપ્યું હતું, જ્યાં તેના પર બળાત્કાર કર્યો હતો. આના કારણે તેને બ્લીડિંગ થયું હતું અને શરીર પર ઉઝરડા પડી ગયા હતા. ટ્રમ્પે તેને ચૂપ રહેવા જણાવ્યું હતું અને તેના વીઝા અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મદદ કરવાની તેમની ઑફરનો પુનરુચ્ચાર કર્યો હતો. બીટ્રિસે કહ્યું કે તે અમેરિકા આવી ત્યારે તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો, જેને કારણે તે તરત જ સ્પર્ધા છોડી શકી નહોતી.