અમેરિકાનાં ઍરપોર્ટ્‍સ પર ૩ કલાક સુધી અંધાધૂંધી

12 January, 2023 11:02 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સમગ્ર અમેરિકામાં સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે ૪૫૦૦થી વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ડિલે થઈ, સાઇબર અટૅકની શક્યતાને ફગાવી દેવામાં આવી

વૉશિંગ્ટન રીગન ઍરપોર્ટ પર ગઈ કાલે સવારે રોકી રાખવામાં આવેલાં પ્લેન્સ.

વૉશિંગ્ટનઃ સમગ્ર અમેરિકામાં ગઈ કાલે સવારે ફ્લાઇટ-સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. ફેડરલ એવિયેશન ઍડ્‍મિનિસ્ટ્રેશન (એફએએ)ની સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે સમગ્ર અમેરિકામાં ૪૫૦૦થી વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ૩ કલાક કરતા વધુ સમય સુધી ડિલે થઈ હતી. ૫૫૦થી વધારે ફ્લાઇટ્સને કૅન્સલ કરવામાં આવી હતી. ફેડરલ એવિયેશન ઍડ્‍મિનિસ્ટ્રેશને ઍરલાઇન્સને તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ડિલે કરવા માટે આદેશ આપ્યો હતો. જોકે અમેરિકાના ઍડ્‍મિનિસ્ટ્રેશને સાઇબર અટૅકની શક્યતાને ફગાવી દીધી હતી. પાઇલટ્સ માટે નૉટિસ ટુ ઍર મિશન સિસ્ટમ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. જે બંધ રનવૅ, ઇક્વિપમેન્ટમાં ખામી અને અન્ય સંભવિત ખતરા વિશે પાઇલટ્સને ચેતવે છે. જોકે, આ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે તમામ પ્લેનને જમીન  પર ઉતારવા જણાવવામાં આવ્યું હતું. જોકે ધીરે-ધીરે સમગ્ર અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી. 

એફએએએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘સમગ્ર દેશની ઍરસ્પેસ સિસ્ટમમાં કામગીરીને અસર થઈ છે.’

પ્રેસિડન્ટ જો બાઇડનને ફ્લાઇટ-સિસ્ટમ ખોરવાઈ જવાની સ્થિતિ વિશે વાકેફ કરવામાં આવ્યા છે. વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પીરેરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘અત્યારના સમયે સાઇબર અટૅકનો કોઈ પુરાવો મળ્યો નથી, પરંતુ પ્રેસિડન્ટે કારણોની સંપૂર્ણ તપાસ કરવા માટે ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે.’

નોટિસ ટુ ઍર મિશન્સ સિસ્ટમ ફેઇલ થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. એફએએ સિસ્ટમ ફેલ્યરની જાહેરાતના થોડા સમય બાદ જણાવ્યું હતું કે નેવાર્ક-લિબર્ટી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને હાર્ટ્સફીલ્ડ-જૅક્સન ઍટલાન્ટા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. યુનાઇટેડ ઍરલાઇન્સે જણાવ્યું હતું કે એણે ટેમ્પરરી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સને ડિલે કરી હતી. ઍરપોર્ટ્સ પર કામગીરી ખોરવાઈ જવાના કારણે અમેરિકાને કરોડો ડૉલરનું નુકસાન થયું છે. 

21,000
અમેરિકામાં શેડ્યુલ અનુસાર ગઈ કાલે આટલી ફ્લાઇટ્સ ટેક-ઑફ થવાની હતી.

ભારતની ફ્લાઇટને અસર નહીં

ઇન્ડિયન રેગ્યુલેટર ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન)એ ગઈ કાલે જણાવ્યું હતું કે અમેરિકાની ફ્લાઇટ-સિસ્ટમ ખોરવાઈ જવાની ભારતમાંથી અમેરિકા જતી ફ્લાઇટ્સને કોઈ અસર થઈ નથી. ભારતમાં તમામ ઍરપોર્ટ્‍સ ખાતે કામગીરી નૉર્મલ છે. 

international news united states of america washington fbi