જપાની ઍરલાઇન્સનું વિમાન ૧૦ મિનિટમાં ૩૬,૦૦૦ ફુટની ઊંચાઈએથી એકાએક ૨૫,૫૦૦ ફુટ નીચે આવી ગયું

04 July, 2025 06:57 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ટેક્નિકલ ખામીથી મુસાફરોમાં ફેલાયો ગભરાટ; પ્રવાસીઓએ વિલ, પિન-નંબર અને વીમા-પૉલિસીની જાણકારી સ્વજનોને મેસેજ કરવા માંડી

જપાની ઍરલાઇન્સનું વિમાન ૧૦ મિનિટમાં ૩૬,૦૦૦ ફુટની ઊંચાઈએથી એકાએક ૨૫,૫૦૦ ફુટ નીચે આવી ગયું

ચીનના શાંઘાઈથી જપાનના ટોક્યો જતી જપાન ઍરલાઇન્સની ફ્લાઇટ (JL8696)માં મુસાફરી કરી રહેલા ૧૯૧ પ્રવાસીઓએ ૩૦ જૂને અગ્નિપરીક્ષાનો અનુભવ કર્યો હતો, કારણ કે તેમનું બોઇંગ ૭૩૭ વિમાન અચાનક ૨૫,૫૦૦ ફુટ નીચે ઊતર્યું હતું, જેને કારણે તેમને ઑક્સિજન માસ્ક લગાવવાની ફરજ પડી હતી. શાંઘાઈના પુડોંગ ઍરપોર્ટથી ટોક્યોના નારીતા ઍરપોર્ટ સુધીની આ ફ્લાઇટ જપાન ઍરલાઇન્સની લો-કૉસ્ટ પેટાકંપની સ્પ્રિંગ જપાન દ્વારા સંચાલિત હતી.

સ્થાનિક સમય મુજબ સાંજે ૬.૫૩ વાગ્યે વિમાનને હવામાં ટેક્નિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે એ લગભગ ૧૦ મિનિટમાં ૩૬,૦૦૦ ફુટની ઊંચાઈએથી ૨૫,૫૦૦ ફુટ નીચે ઊતરીને ૧૦,૫૦૦ ફુટની ઊંચાઈએ ઉડ્ડયન કરવા લાગ્યું હતું.

વિમાનના મુસાફરો ભયભીત થયા હતા, કારણ કે તેમને લાગી રહ્યું હતું કે વિમાન ક્રૅશ થવાનું છે. ઊંઘી રહેલા કેટલાક લોકો આંચકાથી જાગી ગયા હતા; જ્યારે અન્ય લોકોએ તેમનાં વિલ લખી નાખ્યાં હતાં, કેટલાક મુસાફરોએ બૅન્ક-પિન અને વીમા-માહિતી જેવી વ્યક્તિગત વિગતો સાથે તેમના પરિવારજનોને મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. કૅબિનનું પ્રેશર ઘટી જતાં ઑક્સિજન માસ્ક બહાર આવી ગયા હતા. ફ્લાઇટના ફુટેજમાં ઑક્સિજન માસ્ક પહેરેલા મુસાફરો દેખીતી રીતે હચમચી ગયેલા જોવા મળતા હતા.

આ વિમાનને જપાનના કાન્સાઈ ઍરપોર્ટ પર ઇમર્જન્સી ઉતરાણ કરવાની ફરજ પડી હતી. વિમાન સુરક્ષિત રીતે ઊતર્યું હતું.

japan tokyo china shanghai travel travel news international news news world news airlines news