ટેકઑફ પહેલા લેન્ડિંગ ગિયરમાં લાગી આગ,ઇમર્જન્સી સ્લાઇડ દ્વારા મુસાફરોનું રેસ્ક્યૂ

28 July, 2025 06:58 AM IST  |  Denver | Gujarati Mid-day Online Correspondent

Fire in Landing Gear in American Flight: અમેરિકા એક મોટી વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું છે. શનિવારે બપોરે ડેનવર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટ AA3023 ના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી ત્યારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ.

ડેનવર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટમાં આગ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

અમેરિકા એક મોટી વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું છે. શનિવારે બપોરે ડેનવર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટ AA3023 ના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી ત્યારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ટેકઑફની તૈયારી કરી રહ્યું હતું. વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, એક મુસાફરને નાની ઇજાઓ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય પાંચ મુસાફરોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

આ ઘટના શનિવારે બપોરે 2:45 વાગ્યે (યુએસ સમય) બની હતી, જ્યારે ફ્લાઇટ AA3023 ડેનવરથી મિયામી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (MIA) માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. વિમાન રનવે 34L પર ટેકઑફ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે લેન્ડિંગ ગિયરમાં એક ટાયરમાં ખામી સર્જાઈ ગઈ હતી. આ કારણે તેમાં આગ લાગી ગઈ. ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટ અને ઍરપોર્ટ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. તમામ મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અમેરિકન ઍરલાઇન્સે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું છે કે વિમાન બોઇંગ 737 મેક્સ 8 હતું અને તેમાં ટાયર સંબંધિત ટેકનિકલ સમસ્યા હતી. ઍરલાઇન્સે કહ્યું કે અસરગ્રસ્ત વિમાનને સેવામાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. વિમાન ગેટ C34 થી ઉપડવાનું હતું અને ટેકઑફનો સમય બપોરે 1:12 વાગ્યે હતો. FAA (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન) એ તેને સંભવિત લેન્ડિંગ ગિયર ખામી તરીકે જાણ કરી છે.

આ ઘટનાને કારણે ડેનવર ઍરપોર્ટ પર બપોરે 2:00 થી 3:00 વાગ્યા સુધી ગ્રાઉન્ડ સ્ટોપ કરવામાં આવ્યો હતો, જેના કારણે 87 ફ્લાઇટ્સ મોડી પડી હતી. જો કે, સાંજ સુધીમાં બધી સેવાઓ સામાન્ય થઈ ગઈ હતી.

નોંધનીય છે કે ડેનવરમાં અમેરિકન ઍરલાઇન્સ સાથે આ બીજી મોટી ઘટના છે. માર્ચ 2025 માં, આ જ એરલાઇનના બીજા વિમાનને એન્જિનમાં ખામી સર્જાતા કટોકટી ઉતરાણ કરવું પડ્યું હતું. અમેરિકન ઍરલાઇન્સે મુસાફરોને મિયામી લઈ જવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી હતી, જે સાંજે ઉડાન ભરી હતી.

તાજેતરમાં, દિલ્હી ઍરપોર્ટ પર એક અકસ્માત થયો હતો. અહેવાલ છે કે ઍર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગની સાથે જ આગ લાગી ગઈ હતી. ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, હોંગકોંગથી દિલ્હી ઍરપોર્ટ પર લેન્ડિંગ થતાં જ ઍર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું કહેવાય છે.

united states of america washington plane crash delhi news international news news