22 September, 2025 07:53 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વીઝા-ફી વાર્ષિક ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૮૮ લાખ રૂપિયા) કરવાની જાહેરાતથી વિશ્વભરમાં ફફડાટ મચી ગયો હતો, પણ ત્યાર બાદ ગઈ કાલે વાઇટ હાઉસનાં પ્રવક્તા કૅરોલિન લીવિટે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘આ માત્ર એક વખતની ફી છે અને વાર્ષિક ફી નથી. આ ફી ફક્ત નવા H-1B વીઝા પર લાગુ થશે, રિન્યુઅલ પર અને વર્તમાન વીઝાધારકો પાસેથી આ ફી લેવામાં નહીં આવે.’
H-1B વીઝા વિશેની જાહેરાત બાદ અમેરિકામાં આ પ્રકારના વીઝા પર કામ કરતા લાખો ભારતીયોમાં ગભરાટ ફેલાયો હતો. અમેરિકામાં ટેક્નૉલૉજી કંપનીઓમાં કામ કરતા ભારતીય IT પ્રોફેશનલો H-1B વીઝા પર અમેરિકા જતા હોય છે. અમેરિકામાં સૌથી વધુ H-1B વીઝા મેળવનારાઓમાં ભારતીયોનો સમાવેશ છે અને આ જાહેરાતથી તેઓ ડરી ગયા હતા, કારણ કે તેમને નોકરીઓ જોખમમાં લાગવા લાગી હતી. મોટી અમેરિકન કંપનીઓએ કર્મચારીઓને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં કોઈ પણ કિંમતે અમેરિકા પાછા ફરવાની સલાહ આપી ત્યારે મૂંઝવણ વધી ગઈ હતી.
વાઇટ હાઉસનાં પ્રેસ-સેક્રેટરી કૅરોલિન લીવિટે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે...
1. આ વાર્ષિક ફી નથી. એ એક વખતની ફી છે જે ફક્ત નવી અરજી પર લાગુ પડે છે.
2. જેઓ પહેલેથી જ H-1B વીઝા ધરાવે છે અને હાલમાં દેશની બહાર છે તેમની પાસેથી ફરીથી પ્રવેશ માટે ૧,૦૦,૦૦૦ ડૉલર વસૂલ કરવામાં આવશે નહીં. H-1B વીઝાધારકો સામાન્ય રીતે સમાન મર્યાદા સુધી દેશમાંથી બહાર નીકળી શકે છે અને ફરીથી પ્રવેશ કરી શકે છે. શુક્રવારની જાહેરાત તેમની અરજી કરવાની ક્ષમતાને અસર કરશે નહીં.
3. આ ફક્ત નવા વીઝા પર લાગુ પડે છે, રિન્યુઅલ માટે નહીં અને હાલના વીઝાધારકો પર નહીં.
ઝટપટ પાછા અમેરિકા પહોંચવું જરૂરી નથી
વાઇટ હાઉસની સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આવી છે કે કંપનીઓએ ભારતની મુલાકાતે આવેલા કર્મચારીઓને ફીથી બચવા માટે વહેલા પાછા ફરવાનું કહ્યું છે. માઇક્રોસૉફ્ટ, મેટા અને ઍમૅઝૉન જેવી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને આ અંગે જાણ કરી છે. એક વરિષ્ઠ અમેરિકન વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત આવતા, જતા અથવા મુસાફરી કરતા લોકોએ રવિવાર વહેલા પાછા ફરવાની અથવા તો ૧,૦૦,૦૦૦ ડૉલર ફી ચૂકવવાની જરૂર નથી.