05 May, 2025 08:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના નવા ડિરેક્ટર કશ્યપ ઉર્ફે કૅશ પટેલ
અમેરિકાની ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના નવા ડિરેક્ટર કશ્યપ ઉર્ફે કૅશ પટેલની તેમની ડ્યુટી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. તેઓ FBIના મુખ્યાલયમાં ઓછા આવે છે અને નાઇટ-ક્લબમાં વારંવાર મુલાકાતો લે છે એવો આરોપ મૂકવામાં આવ્યો છે.
FBIમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ માટે અસિસ્ટન્ટ ડિરેક્ટરપદે સેવા આપી ચૂકેલા ફ્રૅન્ક ફિગ્લિયુઝીએ દાવો કર્યો છે કે કૅશ પટેલ તેમની ઑફિસમાં ઓછો સમય અને નાઇટ-ક્લબમાં વધુ સમય વિતાવે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કૅશ પટેલને દૈનિક બ્રીફિંગ દરરોજથી બદલીને કદાચ અઠવાડિયામાં બે વાર કરવામાં આવી છે. હાલમાં બ્યુરોની અંદરના વાતાવરણમાં માત્ર અરાજકતા જોવા મળે છે.
બીજા ઘણા અહેવાલોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ડોનલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ગણાતા કૅશ પટેલ પોતાનો મોટા ભાગનો સમય વૉશિંગ્ટનથી દૂર વિતાવી રહ્યા છે, તેમનું નિવાસસ્થાન લાસ વેગસમાં છે. તેમને આ કામનો અનુભવ નથી એટલે ચીજો સારી થવાને બદલે ખરાબ થઈ રહી છે. તેઓ એજન્ટોના ભરોસે ચાલી રહ્યા છે, શું કામ કરવાનું છે એ તેઓ એજન્ટોને કહી રહ્યા છે. આમ તેઓ યોગ્ય દિશામાં જઈ રહ્યા નથી એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.