03 October, 2025 07:51 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્ક
ટેસ્લા કંપનીના CEO ઈલૉન મસ્કે ૫૦૦ અબજ ડૉલરની ઐતિહાસિક સંપત્તિનો આંકડો પાર કરી લીધો છે. ટેસ્લાના શૅરોમાં ઉછાળ અને સ્પેસએક્સ તેમ જ xAIના વૅલ્યુએશનમાં થયેલા વધારાને પગલે ઈલૉન મસ્કની સંપત્તિ ૫૦૦ અબજ ડૉલર એટલે કે લગભગ ૪૪,૩૩,૬૦૦ કરોડ રૂપિયાને આંબી ગઈ છે. ટેસ્લાના બોર્ડે ઈલૉન મસ્કને એક ટ્રિલ્યન ડૉલરનું કૉમ્પેન્સેશન પૅકેજ આપ્યું હતું જેને કારણે ઈલૉન મસ્ક ઇતિહાસમાં પહેલી વાર ૫૦૦ અબજ ડૉલરના મૅજિકલ આંકડાને પાર કરતી સંપત્તિ ધરાવતા થઈ ગયા હતા.
થોડા દિવસ પહેલાં ઈલૉન મસ્કને પાછળ રાખીને સૌથી વધુ ધનાઢ્યની યાદીમાં ટોચ પર થોડાક કલાકો માટે બિરાજેલા ઑરૅકલ કંપનીના ફાઉન્ડર લૅરી એલિસન હવે ઈલૉન મસ્ક કરતાં ૧૫૦ અબજ ડૉલર એટલે કે ૧૩ લાખ કરોડ રૂપિયાથી પાછળ રહી ગયા છે.
ટેસ્લા મસ્કની સંપત્તિનો સૌથી મોટો સોર્સ છે. ૨૦૨૫માં ઇલેક્ટ્રિક કારનિર્માતાના શૅરમાં ૧૪ ટકા વધારો થયો છે. માત્ર બુધવારે જ ૪ ટકા જેટલો વધારો નોંધાયો હતો.