ઈલૉન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલ્યનેર, દુનિયાના ૧૭૪ દેશો કરતાં પણ વધુ અમીર

13 June, 2026 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેસઍક્સ દ્વારા ૭૫ અબજ ડૉલર એકઠા કરવામાં આવ્યા એને પગલે નેટવર્થ ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ડૉલરને પાર, ૮૩ લાખ કરોડ રૂપિયાની આ સંપત્તિથી ધારે તો સમગ્ર વિશ્વની ગરીબી-ભૂખમરો એકઝાટકે કરી શકે છે દૂર

ઈલૉન મસ્ક

ટેસ્લા અને સ્પેસએક્સ (SpaceX) જેવી અગ્રણી કંપનીઓના માલિક ઈલૉન મસ્ક વિશ્વના ઇતિહાસમાં ટ્રિલ્યનેર બનનારી સૌપ્રથમ વ્યક્તિ બની ગયા છે. સ્પેસએક્સે ૧૩૫ ડૉલર પ્રતિ શૅરના ભાવે ૫૫.૫૬ કરોડ શૅર વેચીને રેકૉર્ડબ્રેક ૭૫ અબજ અમેરિકી ડૉલર મેળવ્યા છે. આ ભંડોળ એકત્ર થતાંની સાથે જ મસ્કની કુલ સંપત્તિ એક ટ્રિલ્યન ડૉલરને પાર પહોંચી ગઈ છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે ૮૩ લાખ કરોડ રૂપિયા થાય છે. મસ્કની આ સંપત્તિ દુનિયાના ૧૭૪ દેશોની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતાં પણ વધારે છે.

એક ટ્રિલ્યન ડૉલરની આ આકાશી રકમ કેટલી મોટી છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એનાથી દુબઈના પ્રખ્યાત બુર્જ ખલીફા જેવી આશરે ૬૬૦ ઇમારતો આસાનીથી ઊભી કરી શકાય એમ છે. આ સિવાય આ સંપત્તિમાંથી અમેરિકાના સૌથી અત્યાધુનિક F-35 લાઇટનિંગ ફાઇટર જેટનાં ૧૦,૦૦૦ યુનિટ અથવા પરમાણુ ઊર્જાથી ચાલતા USS જેરાલ્ડ આર. ફૉર્ડ જેવાં ૭૫ યુદ્ધજહાજો ખરીદી શકાય છે. ઓક્સફેમ અને સંયુક્ત રાષ્ટ્રના અંદાજ અનુસાર જો આટલી રકમનો ઉપયોગ કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાંથી ભૂખમરો અને અત્યંત ગરીબીને આગામી કેટલાંક વર્ષો માટે જડમૂળથી નાબૂદ કરી શકાય છે.    

ટ્રિલ્યનેર એટલે શું?

ટ્રિલ્યનેર એટલે એવી વ્યક્તિ જેની કુલ સંપત્તિ એક ટ્રિલ્યન ડૉલર (૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ USD) કે એનાથી વધુ હોય. જો આપણે એને ભારતીય ચલણના મૂલ્યમાં સમજીએ તો એક ટ્રિલ્યન ડૉલર એટલે અંદાજે ૮૩ લાખ કરોડ (૮૩,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦) રૂપિયા કરતાં પણ મોટી રકમ થાય. કોઈની અબજોપતિની નેટવર્થ જ્યારે આ આકાશી આંકડાને પાર કરી જાય ત્યારે તે ટ્રિલ્યનેર તરીકે ઓળખાય છે. 

વિશ્વના પહેલા ટ્રિલ્યનેર છે

તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી દુનિયામાં એક પણ ટ્રિલ્યનેર નહોતો, પરંતુ ગઈ કાલે એટલે કે ૨૦૨૬ની ૧૨ જૂને જ ઇતિહાસ બદલાયો છે. ઈલૉન મસ્કની રૉકેટ કંપની સ્પેસએક્સ (SpaceX)ના રેકૉર્ડબ્રેકિંગ IPOને કારણે તેમની સંપત્તિ એક ટ્રિલ્યન ડૉલરને પાર થઈ ગઈ છે. આ સાથે જ ઈલૉન મસ્ક સત્તાવાર રીતે ઇતિહાસના અને વિશ્વના સૌપ્રથમ અને એકમાત્ર ટ્રિલ્યનેર બની ગયા છે. તેમના સિવાય દુનિયામાં કોઈ વ્યક્તિ હજી સુધી આ મુકામ પર પહોંચી શકી નથી. 

ઇલૉન મસ્કની સંપત્તિ ભારતની GDPના ચોથા ભાગ બરાબર, પાકિસ્તાન બે વાર ખરીદાય એટલી દોલત

હાલ દુનિયામાં ભારત ઉપરાંત અમેરિકા, ચીન, જર્મની, જપાન અને UK સહિત કુલ ૨૧ દેશો જ એવા છે જેમનું અર્થતંત્ર મસ્કની સંપત્તિ કરતાં મોટું છે. મસ્કની આ એકલા હાથની નેટવર્થ ભારતની કુલ GDPના આશરે ચોથા ભાગ બરાબર છે. આ દોલત એટલી પ્રચંડ છે કે ઈલૉન મસ્ક જો ધારે તો પાકિસ્તાન જેવા દેશને આખેઆખા બે વખત ખરીદી શકે છે અને એમ છતાં તેમની પાસે અબજો ડૉલર બચી જશે.

ઈલૉન મસ્કની કંપનીઓ પર હુમલાની ઈરાનની ધમકી, પશ્ચિમ એશિયામાં બિઝનેસને નષ્ટ કરશે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે ઈરાને ઈલૉન મસ્કને સીધી ધમકી આપી છે. ઈરાને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે પશ્ચિમ એશિયા, આરબ દેશો અને ઇઝરાયલમાં મસ્કની માલિકીની ટેસ્લા, સ્પેસએક્સ અને સ્ટારલિન્ક જેવી તમામ કંપનીઓ હવે અમારા નિશાના પર છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકાના ડિપાર્ટમેન્ટે હજારો સ્ટારલિન્ક ટર્મિનલ્સ ગેરકાયદે રીતે ઈરાનમાં ઘુસાડ્યાં છે, જેથી ઇન્ટરનેટ બ્લૉક હોવા છતાં સરકારવિરોધી સંગઠનો બહાર સંપર્ક સાધીને પ્રદર્શનો કરી શકે. ઈરાનમાં આ ડિવાઇસના ઉપયોગ પર બે વર્ષની જેલની જોગવાઈ છે. હાલ આ માત્ર મૌખિક ચેતવણી છે, પણ જો હુમલો થશે તો મસ્કને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

elon musk gdp finance news business news national news news