ટ્રમ્પનું ટ‍્વિટર અકાઉન્ટ રીસ્ટોર થયું, કંગનાનું થશે?

21 November, 2022 10:51 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જોકે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કમબૅક કરવા માટે આતુર નથી

ફાઇલ તસવીર

ટ‍્વિટરના નવા માલિક ઇલૉન મસ્ક દ્વારા કરાયેલા એક પૉલમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટને રિસ્ટોર કરવાની તરફેણમાં બહુમતીમાં વોટિંગ થયું છે. જોકે ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે તેમને ટ‍્વિટર પર કમબૅક કરવામાં કોઈ રસ નથી. હિંસાને ઉશ્કેરવા બદલ આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

દોઢ કરોડથી વધુ ટ‍્વિટર યુઝર્સે આ પૉલમાં વોટિંગ કર્યું હતું, જેમાં ૫૧.૮ ટકા લોકોએ ટ્રમ્પનું અકાઉન્ટ રિસ્ટોર કરવાની તરફેણમાં વોટિંગ કર્યું હતું. મસ્કે ટ્વીટ કર્યું હતું કે ‘લોકો બોલી ચૂક્યા છે. ટ્રમ્પનું અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે.’

જોકે ટ્રમ્પ એના માટે આતુર હોય એમ જણાતું નથી. ભૂતપૂર્વ પ્રેસિડન્ટને જ્યારે એક મીટિંગમાં પૂછવામાં આવ્યું કે તેઓ ટ‍્વિટર પર કમબૅક કરવા માટે પ્લાનિંગ કરવા માગે છે કે નહીં તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને એના માટે કોઈ કારણ જણાતું નથી.  

તેમણે કહ્યું હતું કે તેઓ તેમના નવા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશ્યલને વળગી રહેશે. આ ઍપને તેમના સ્ટાર્ટ-અપ ટ્રમ્પ મીડિયા ઍન્ડ ટેક્નૉલૉજી ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. ટ્રમ્પ અનુસાર ટ‍્વિટર કરતાં આ ઍપમાં વધુ સારું યુઝર એન્ગેજમેન્ટ છે.

ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમને તે હંમેશાંથી ગમે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્વિટરને બોટ્સ અને બનાવટી અકાઉન્ટ્સની સમસ્યા નડી રહી છે અને એણે જે પ્રૉબ્લેમ્સનો સામનો કરવો પડ્યો છે એ અદ્વિતીય છે.

ટ્રમ્પ બાદ હવે બૉલીવુડ ઍક્ટર કંગના રનૌતના ટ‍્વિટર અકાઉન્ટને પણ રિસ્ટોર કરવામાં આવે એવી શક્યતા નકારી ન શકાય, કેમ કે મસ્ક કોઈ ટ‍્વિટર અકાઉન્ટને કાયમી બૅન કરવાની બિલકુલ વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે માત્ર બોટ્સ કે સ્પામ્સ અકાઉન્ટ્સ પર જ પ્રતિબંધ મૂકવા જોઈએ. ટ‍્વિટર પર હેટ-સ્પીચના ફેલાવાને કારણે કંગના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

88000000
ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટ પર ગયા વર્ષે આઠમી જાન્યુઆરીએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એના પહેલાં એના પર આટલા ફૉલોઅર્સ હતા. શનિવારે રાતે દસ વાગ્યા સુધીમાં લગભગ એક લાખ ફૉલોઅર્સ હતા.

international news twitter elon musk donald trump kangana ranaut