05 October, 2025 08:20 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ હવે બંગલાદેશમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તેમણે બંગલાદેશના પૂર્વમાં આવેલા સેન્ટ માર્ટિન આઇલૅન્ડ પર રિસૉર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. એ રિસૉર્ટમાં તેઓ વિદેશીઓ માટે સ્પેશ્યલ ઝોન બનાવશે. થોડા સમય પહેલાં જ બંગલાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ટ્રમ્પને મળવા ન્યુ યૉર્ક ગયા હતા જેમાં આ આઇલૅન્ડના ડેવલપમેન્ટ વિશે વાત થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે બંગલાદેશ પહેલાં આ આઇલૅન્ડને ૯૯ વર્ષની લીઝ પર આપશે. વચગાળાની સરકારે આ આઇલૅન્ડ લીઝ પર આપવા માટે સંસદની અનુમતિ પણ લેવી નહીં પડે. વચગાળાની સરકાર સેનાની પરવાનગી સાથે પોતાની રીતે જ નિર્ણય લઈ શકશે.
ક્યાં છે સેન્ટ માર્ટિન આઇલૅન્ડ?
સેન્ટ માર્ટિન આઇલૅન્ડનું લોકેશન ખૂબ જ મહત્ત્વનું છે. બંગાળની ખાડીમાં ૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો આ દ્વીપ બંગલાદેશની મુખ્ય ભૂમિથી માત્ર ૮ કિલોમીટર દૂર છે. અહીં લગભગ ૩૫૦૦ લોકો રહે છે. આ દ્વીપના દક્ષિણમાં મલાકા જળસંધિ છે. આ જળસંધિ પરથી દુનિયાના લગભગ ૩૦ ટકા માલનું પરિવહન થાય છે. આ જગ્યા પર રિસૉર્ટ બનાવીને આ એરિયામાં અમેરિકાનો અડ્ડો બનાવવાનો ટ્રમ્પનો પ્લાન સ્ટ્રૅટેજિકલી પણ બહુ મહત્ત્વનો છે.