ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં પાંચ જેટ તોડી પાડવામાં આવ્યાં

21 July, 2025 08:38 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો આ વખતે ચોંકાવનારો દાવો

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ વિશે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતાં શુક્રવારે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમ્યાન પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં હતાં. ટ્રમ્પે ફરી એક વાર પોતાના એ દાવાનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી હતી.

ટ્રમ્પે વાઇટ હાઉસમાં રિપબ્લિકન સંસદસભ્યો સાથે રાત્રિભોજન દરમ્યાન આ વાત કહી હતી. જોકે  તેમણે એ સ્પષ્ટ નહોતું કર્યું કે તેઓ કયા પક્ષનાં વિમાનો વિશે વાત કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમે ઘણાં યુદ્ધો અટકાવ્યાં હતાં, પણ ભારત અને પાકિસ્તાનનું જે ચાલી રહ્યું હતું એ ગંભીર હતું. ત્યાંથી વિમાનો પર ગોળીબાર થઈ રહ્યો હતો. મને લાગે છે કે ખરેખર પાંચ જેટ તોડી પાડવામાં આવ્યાં હતાં. આ બે ગંભીર પરમાણુ દેશો છે અને તેઓ એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.’

આ મુદ્દે વધુ બોલતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘તમે તાજેતરમાં ઈરાનમાં અમે શું કર્યું એ જોયું, અમે તેમની પરમાણુ ક્ષમતાને નષ્ટ કરી દીધી, પરંતુ ભારત અને પાકિસ્તાન એના પર કામ કરી રહ્યા હતા અને તેઓ આગળ-પાછળ હતા અને પરિસ્થિતિ મોટી થતી ગઈ. અમે વેપાર દ્વારા એનો ઉકેલ લાવી દીધો.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે એણે હવાઈ યુદ્ધમાં પાંચ ભારતીય વિમાનોને તોડી પાડ્યાં હતાં. ભારતે વારંવાર ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાને લશ્કરી ચૅનલો દ્વારા ભારતને ફોન કર્યા પછી યુદ્ધવિરામ થયો હતો. ભારતે પાકિસ્તાનનાં અનેક વાયુસેના મથકો તોડી પાડ્યાં હતાં.

donald trump us president united states of america india pakistan international news news world news white house