12 January, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભારતનાં અનેક ઍરપોર્ટમાં એન્ટ્રીને સરળ બનાવવા માટે કેટલાક એન્ટ્રી-પૉઇન્ટ પર ડિજીયાત્રા સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં રજિસ્ટર કરવાથી પૅસેન્જર ચહેરાની ઓળખથી એન્ટ્રી મેળવી શકે છે અને વારંવાર ઓળખપત્ર બતાવવાની જરૂર રહેતી નથી. જોકે હમણાં મુંબઈમાં ઍરપોર્ટ પર ડિજીયાત્રા ગેટ પર બનેલી એક વિચિત્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો હતો. બન્યું હતું એવું કે બે જોડિયા ભાઈઓએ એક પછી એક ડિજીયાત્રાના ગેટમાંથી એન્ટ્રી લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ સિસ્ટમની ફેશ્યલ રેકગ્નિશન ટેક્નિક ટ્વિન બ્રધર્સ વચ્ચે ભેદ પાડવામાં નિષ્ફળ ગઈ હતી.
ટ્વિન બ્રધર્સમાંના એક પ્રશાંત મેનને આ વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે ‘હું અને મારો ભાઈ ટ્વિન્સ છીએ. બન્ને ડિજીયાત્રામાં રજિસ્ટર્ડ છીએ, પણ ડિજીયાત્રાનો જાદુ જુઓ.’
વિડિયોમાં ડિજીયાત્રાની સિસ્ટમ બન્ને ભાઈને એક જ પૅસેન્જર સમજી રહી હતી અને બીજા ભાઈની એન્ટ્રી નકારી રહી હતી. ડિજીયાત્રાએ પ્રશાંતની પોસ્ટનો જવાબ આપીને આ સમસ્યા ઉકેલવા જણાવ્યું હતું. નેટિઝન્સે આ ઘટનાના વિડિયો પર જાતભાતના પ્રતિભાવ આપ્યા હતા અને જણાવ્યું હતું કે લાગે છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટેના ટ્રેઇનિંગ મૉડલમાં સીતા ઔર ગીતાનો કેસ નહોતો ઉમેરવામાં આવ્યો.