✕

હુતી સાથે યુદ્ધવિરામ કરવા સાઉદી અરેબિયાએ ઈરાન મારફત ૯૫૦૦ કરોડની ઑફર કરી?

28 October, 2026 08:01 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

દેશ પરના હુમલાઓ અટકાવવા સાઉદી સંરક્ષણપ્રધાને તેહરાનની ગુપ્ત મુલાકાત લઈને આ જંગી રકમ પહોંચાડી હોવાનો દાવો

પ્રતીકાત્મક તસવીર

ઈરાનની મધ્યસ્થી હેઠળ યમનના હુતી જૂથ સાથે નવો યુદ્ધવિરામ કરવા અને પોતાના દેશ પર થતા સતત હુમલાઓ રોકવા સાઉદી અરેબિયાએ ૯૫૦૦ કરોડ રૂપિયા (એક અબજ ડૉલર)ની ઑફર કરી છે. ઇઝરાયલના મીડિયા રિપોર્ટમાં ખાડી દેશોનાં રાજદ્વારી સૂત્રોને ટાંકીને આ અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયાના સંરક્ષણપ્રધાન પ્રિન્સ ખાલિદ બિન સલમાને હુતી જૂથ સાથે યુદ્ધવિરામની સઘન વાટાઘાટો કરવા તેહરાનની મુલાકાત લીધી હતી. એક સૂત્રે ચોંકાવનારો દાવો કર્યો હતો કે સાઉદી પ્રધાન પોતાના હર્ક્યુલિસ લશ્કરી વિમાનમાં આ જંગી રકમ લઈને તેહરાન પહોંચ્યા હતા. જોકે સાઉદી અધિકારીઓએ આ નાણાકીય લેવડદેવડ વિશે હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી.
આ ગુપ્ત વાટાઘાટોમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન, ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ટર્કીના ઇન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન અને પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર પણ હતા. સાઉદી અરેબિયાનાં મુખ્ય મથકો અને ઍરપોર્ટ પર હુતી જૂથ દ્વારા સતત હુમલાઓ થઈ રહ્યા છે જેનાથી દેશને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ હુમલાઓ અટકાવવા માટે ઈરાન સક્રિયપણે મધ્યસ્થી કરી રહ્યું છે. અગાઉ ૩ વર્ષ પહેલાં પણ સાઉદી અરેબિયાએ હુતી નિયંત્રિત વિસ્તારોમાં નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા અને કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે નાણાકીય સહાય આપવાની સમજૂતી કરી હતી.
હુતી જૂથ સતત એવો આક્ષેપ કરી રહ્યું છે કે સાઉદી અરેબિયાએ અગાઉની સમજૂતીનું પાલન કર્યું નથી તેથી તેઓ હુમલા કરી રહ્યા છે. બીજી તરફ સાઉદી અરેબિયા લશ્કરી બ્લૅકમેઇલ હેઠળ નવો યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર નથી. હાલમાં ખાડી દેશો, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પ્રાદેશિક તનાવ ચરમસીમા પર છે ત્યારે ઈરાન પોતાને પ્રાદેશિક રાજદ્વારી મધ્યસ્થી તરીકે પ્રસ્થાપિત કરીને અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય દ્વારા હસ્તક્ષેપનો સખત વિરોધ કરી રહ્યું છે.

international news world news iran saudi arabia yemen