હવે ‘ડિસીઝ એક્સ’ની દુનિયાને ચિંતા

26 May, 2023 11:47 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ચેતવણી બાદ સાયન્ટિસ્ટ્સ જુદી-જુદી ડરામણી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ત્રણ વર્ષ સુધી કોરોનાની મહામારીનો સામનો કરનારી દુનિયા માટે ટૂંક સમયમાં એક મોટી સમસ્યા ઊભી થશે. દુનિયાએ એક નવી મહામારીનો સામનો કરવો પડી શકે છે. જે કોરોના કરતાં વધારે ખતરનાક હશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના ચીફ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે રીસન્ટ્લી આ ચેતવણી આપી હતી. 

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કેટલીક ચેપી બીમારીઓની ઓળખ કરી છે જે આગામી મહામારીનું કારણ બની શકે છે. આ બીમારીઓમાં ઇબોલા વાઇરસ, મારબર્ગ, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ, સિવિયર ઍક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ, કોરોના, ઝીકા અને કદાચ સૌથી વધારે ખતરનાક ડિસીઝ એક્સ સામેલ છે. 

ડિસીઝ એક્સ શું છે?

ડિ​સિસ એક્સ એક ટર્મ છે જેનો ઉપયોગ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા એવી બીમારીનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે જે મેડિકલ સાયન્સ માટે અજાણી છે જેને સરળ ભાષામાં સમજીએ તો ડિસીઝ એક્સ એવો ટર્મ છે કે જેનો ઉપયોગ એવી બીમારી કે ઇન્ફેક્શન માટે કરવામાં આવે છે જેના વિશે અત્યારની સ્થિતિમાં કોઈને જાણ નથી. ડબ્લ્યુએચઓએ ૨૦૧૮માં ડિસીઝ એક્સ ટર્મનો પહેલી વખત ઉપયોગ કર્યો હતો અને એને એના પછીના વર્ષે ૨૦૧૯માં કોરોના વાઇરસ જેવી મહામારી આવી હતી.

કોઈ સારવાર કે ટ્રીટમેન્ટ નહીં

એમ માનવામાં આવે છે કે ડિસીઝ એક્સ કોઈ વાઇરસ, બૅક્ટેરિયા કે ફંગસ હોઈ શકે છે અને ચિંતાની વાત એ છે કે એ જે કંઈ પણ હોય, એની કોઈ વૅક્સિન કે ટ્રીટમેન્ટ નહીં હોય. કોરોના વાઇરસના કેસમાં પણ એ જ વરવી વાસ્તવિકતા હતી. 

પ્રાણીઓમાંથી ફેલાઈ શકે છે

કેટલાક મેડિકલ એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી ડિસીઝ એક્સ ઝૂનોટિક રહેશે. એનો અર્થ એ છે કે એ જંગલી કે ઘરેલુ પ્રાણીઓમાં જન્મશે અને એ પછી માણસો એનાથી સંક્રમિત થશે. 

બાયોલૉજિકલ અટૅક

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે ડિસીઝ એક્સ કોઈ લૅબોરેટરીમાં દુર્ઘટના કે બાયોલૉજિકલ અટૅકના કારણે પણ થઈ શકે છે. ડિસીઝ એક્સનો સામનો કરવા માટે દુનિયાભરમાં મેડિકલ એક્સપર્ટ્સ સંભવિત ઉપાય, શોધ અને મૉનિટરિંગ કરી રહ્યા છે. કોરોનાની મહામારી દુનિયામાં કેર વર્તાવનારી છેલ્લી બીમારી નથી. 

international news covid vaccine coronavirus world health organization geneva Omicron Variant