23 November, 2026 11:12 AM IST | China | Gujarati Mid-day Correspondent
ચાઇનીઝ વેપારી લી મિંગ
એન્વિડિયાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ ચીન પહોંચાડવા માટે વાપરવામાં આવતા નેટવર્ક વિશે એક નવો ખુલાસો થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સિંગાપોરની કંપની મેગાસ્પીડમાં સિનિયર પોઝિશનમાં કામ કરતી ઍલિસ હૂવાંગ આ નેટવર્કનો માત્ર એક ચહેરો હતી અને પડદા પાછળ બાવન વર્ષનો ચાઇનીઝ વેપારી લી મિંગ કામ કરી રહ્યો હતો. તેણે
સાઉથ-ઈસ્ટ એશિયામાં ઘણી કંપનીઓનું નેટવર્ક તૈયાર કર્યું હતું. આ કંપનીઓની મદદથી તે અમેરિકાના પ્રતિબંધો છતાં એન્વિડિયાની ઍડ્વાન્સ્ડ AI ચિપ ચીન પહોંચાડતો હતો.
એવી પણ જાણકારી મળી છે કે લી મિંગ મેગાસ્પીડ કંપનીના કામકાજમાં સક્રિય હતો અને કંપનીના મોટા નિર્ણયોમાં તેની મહત્ત્વની ભૂમિકા હતી. તેની સામે એક છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે અને હાલમાં તે જામીન પર બહાર છે. તે સિંગાપોરમાં ચાઇનીઝ દૂતાવાસની પાસે એક આલીશાન વિલામાં રહે છે. ઍલિસ હૂવાંગ અને તેના પતિ કાંગ વેઈ સાથે લી મિંગના સારા સંબંધો છે. જ્યારે અમેરિકાની સરકારે ચીનને ઍડ્વાન્સ્ડ AI ચિપ વેચવા પર પ્રતિબંધ લગાવ્યા ત્યારે આ ત્રણેય જણે સાઉથ-ઈસ્ટ એશિયામાં કંપનીઓનું નેટવર્ક તૈયાર કર્યું હતું.