૧૯૬૧થી પહેલી વખત ચીનની વસ્તી ઘટી

18 January, 2023 01:38 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં શિક્ષણવ્યવસ્થા એટલી બધી મોંઘી થઈ ગઈ કે લોકો માટે એક સાથે બે બાળકના ભણવાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

બીજિંગ : ચીનની વસ્તીમાં ૧૯૬૧થી પહેલી વખત ગયા વર્ષે ઘટાડો થયો છે, જે ચીનમાં લાંબા સમય સુધી હવે વસ્તીમાં ઘટાડાની શરૂઆત હોઈ શકે છે. આ વર્ષે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. 

૨૦૨૧માં પ્રતિ હજાર વ્યક્તિએ જન્મદર ૭.૫૨ હતો જેની સામે ગયા વર્ષે જન્મદર ૬.૭૭ હતો, જે સત્તાવાર રીતે સૌથી ઓછો જન્મદર છે. 

બીજી તરફ ચીને ૧૯૭૬થી પહેલી વખત સૌથી ઊંચો મૃત્યુદર પણ નોંધાવ્યો છે. ૨૦૨૧માં પ્રતિ હજાર વ્યક્તિએ ૭.૧૮ના મૃત્યુદરની સામે ગયા વર્ષે મૃત્યુદર ૭.૩૭ હતો. ચીનમાં છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં ઊંચા મૃત્યુદરનું કારણ કોરોનાની મહામારી પણ હોઈ શકે છે. 

ચીનની વસ્તીમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ચીનની વન-ચાઇલ્ડ પૉલિસી છે, જે ૧૯૮૦થી ૨૦૧૫ દરમ્યાન લાદવામાં આવી હતી. 

ચીનમાં એક બાળકને પેદા કરવાની નીતિની અસર એ રહી કે પરિવાર સિસ્ટમ ખલાસ થઈ ગઈ. નવી જનરેશનના લોકોનો મૅરેજ અને બાળકોને જન્મ આપવાથી મોહભંગ થઈ ગયો. બીજી તરફ ચીનમાં શિક્ષણવ્યવસ્થા એટલી બધી મોંઘી થઈ ગઈ કે લોકો માટે એક સાથે બે બાળકના ભણવાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ થઈ ગયો. એટલા માટે નવી જનરેશને એક જ બાળકને જન્મ આપવાનો કે કોઈ જ સંતાન ન રાખવાનું પસંદ કર્યું. બીજી તરફ કોરોનાની મહામારીના કારણે ચીનની વસ્તીવધારા પર અસર થઈ, કેમ કે મેડિકલ સુવિધાઓ મોંઘી થઈ ગઈ. લોકો માટે ફૅમિલી પ્લાનિંગ કરવું વધારે મુશ્કેલ થઈ ગયું. 

international news china beijing national population register