દુનિયામાં પહેલી વાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કોર્ટકેસ જીતી ગઈ, માનવ-વકીલોની હાર

25 June, 2026 09:24 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

બ્રિટનની ગારફીલ્ડ AIએ માત્ર ૫૦,૨૫૨ રૂપિયાની ફીમાં લડીને ક્લાયન્ટને ૮.૭૯ લાખ રૂપિયા અપાવ્યા

પ્રતીકાત્મક તસવીર

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં બ્રિટનમાંથી એક ઐતિહાસિક અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. દુનિયામાં પહેલી વાર AI સંચાલિત લૉ ફર્મે અનુભવી માનવ-વકીલો સામે કાનૂની જંગ જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. બ્રિટનની ગારફીલ્ડ AI (Garfield AI) નામની ચૅટબૉટ ફર્મે સ્મૉલ ક્લેમ્સ કોર્ટમાં આ મોટી સફળતા મેળવી છે. આ ફર્મે એક ફ્રીલાન્સ હ્યુમન રિસોર્સિસ (HR) એક્ઝિક્યુટિવ ટેમિરેસ કમાલ તાકિદિરનું પ્રતિનિધિત્વ કરીને એક હૉસ્પિટૅલિટી કંપની પાસેથી બાકી નીકળતી ફી પેટે ૭૦૦૦ પાઉન્ડ (આશરે ૮.૭૯ લાખ રૂપિયા) વસૂલ કરી આપ્યા છે. આ કેસ માટે ક્લાયન્ટે માત્ર ૪૦૦ પાઉન્ડ (આશરે ૫૦,૨૫૨ રૂપિયા)ની નજીવી ફી ચૂકવવી પડી હતી.

સૉલિસિટર્સ રેગ્યુલેશન ઑથોરિટી (SRA) દ્વારા ગયા વર્ષે એપ્રિલમાં મંજૂરી મેળવનાર આ AI ફર્મે ટ્રાયલ પહેલાંનું તમામ કાનૂની કાગળકામ જાતે જ તૈયાર કર્યું હતું, જેમાં ૪ સાક્ષીઓનાં નિવેદનો અને દસ્તાવેજોનાં બંડલ સામેલ હતાં. બધી કાનૂની તૈયારીઓ પૂરી કર્યા પછી આ AIએ કોર્ટમાં દલીલો કરવા માટે વન ઍસેક્સ કોર્ટના જુનિયર બૅરિસ્ટર ડૉમિનિક લીની નિમણૂક કરી હતી.
મે મહિનામાં વેન્ડ્સવર્થ કાઉન્ટી કોર્ટમાં ચાલેલી ૩ કલાકની ટ્રાયલ બાદ કોર્ટે સામા પક્ષના વળતા દાવાને ફગાવીને તાકિદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બૅરિસ્ટર ડૉમિનિક લીએ પણ સ્વીકાર્યું કે AI દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો કોર્ટની ટ્રાયલ માટે એકદમ સચોટ અને પૂરતા હતા. ગારફીલ્ડના કો-ફાઉન્ડર ફિલિપ યંગે એને એક લૅન્ડમાર્ક ક્ષણ ગણાવીને સામાન્ય લોકો માટે આર્થિક રીતે ન્યાય મેળવવાનો માર્ગ સરળ બનાવનારી ક્રાન્તિ ગણાવી છે.

વૈશ્વિક AI રેસમાં ભારત ત્રીજી મહાશક્તિ તરીકે ઊભર્યું: ૧૦,૩૦૦ કરોડ રૂપિયાના ઇન્ડિયા AI મિશનથી દેશમાં ટેક્નૉલૉજી ક્રાન્તિ, આધાર અને UPI જેવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વૈશ્વિક સ્તરે મજબૂત પકડ

વૈશ્વિક સ્તરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની રેસમાં ભારત હવે અમેરિકા અને ચીનની સમકક્ષ એક ત્રીજી મોટી શક્તિ તરીકે ઊભરી રહ્યું છે. હાલમાં જ આવેલા એક વિશ્લેષણાત્મક અહેવાલ અનુસાર ભારત હવે AI ટેક્નૉલૉજીનો માત્ર ગ્રાહક કે ઉપયોગ કરનારો દેશ નથી રહ્યો; એ અદ્યતન સિસ્ટમ્સનો ઉત્પાદક, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નિર્માતા અને વૈશ્વિક શાસનમાં સક્રિય ભાગીદાર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતનો આ વૈશ્વિક બદલાવ ૧૦,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના ફન્ડિંગ ધરાવતા ઇન્ડિયા AI મિશનને કારણે મજબૂત થઈ રહ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનો સંશોધન ક્ષમતા વધારવાનો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે.

આ ઉપરાંત વૈશ્વિક સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા ચિપ ડિઝાઇનિંગ, અૅસેમ્બલી અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે પણ ભારે રોકાણ કરી રહ્યું છે. અહેવાલ અનુસાર ભારત પાસે આધાર, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), ડિજિલૉકર અને કોવિન જેવું વ્યાપક ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે જે મોટા પાયે AI અપનાવવામાં મહત્ત્વનો ફાયદો કરાવી રહ્યું છે. વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ એ વાતથી સ્પષ્ટ થાય છે કે ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટ ૨૦૨૬ દરમ્યાન ૯૧ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ નવી દિલ્હી ડેક્લેરેશન ઑન AI ઇમ્પૅક્ટનો સ્વીકાર કર્યો હતો. ભારત હવે પ્રગતિશીલ અર્થતંત્રો અને ગ્લોબલ સાઉથ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે.

international news world news ai artificial intelligence great britain india