05 May, 2025 08:20 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સ્ટીવ જૉબ્સ, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ
અબજો ડૉલરનાં સાહસો વિકસાવવા માટે જવાબદાર ત્રણ દૂરંદેશી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગની સફળતાનું રહસ્ય શોધી કાઢવામાં આવ્યું છે. ત્રણેયમાં મજબૂત નેતૃત્વ, વ્યૂહાત્મક દૃષ્ટિ અને અસરકારક કમ્યુનિકેશનના મુખ્ય ગુણો છે ત્યારે એક બિઝનેસ કૉલેજના સંશોધકોએ જાહેર કર્યું છે કે આ ત્રણેયમાં બીજી પણ એક સમાનતા છે, આ ત્રણેય CEO ડાબોડી છે.
આ અભ્યાસ માટે સંશોધકોએ ૪૭૨ કંપનીઓના ૧૦૦૦થી વધુ CEOનું વિશ્લેષણ કર્યું. તેઓ કેવી રીતે લખે છે, ચિત્રકામ કરે છે અને ભોજન ગ્રહણ કરે છે એના ફોટો અને વિડિયો જોયા જેથી તેમના મુખ્ય હાથની ગુણવત્તા નક્કી કરી શકાય. ડાબોડી લોકો ઘણી વાર ઘડિયાળ પણ જમણા હાથ પર પહેરે છે.
મોટા ભાગના CEO જમણેરી (૯૧.૪ ટકા) હતા, જ્યારે માત્ર ૭.૯ ટકા ડાબોડી હતા. વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ડાબોડી CEOની આગેવાની હેઠળની કંપનીઓએ નોંધપાત્ર રીતે વધુ નવીન ઉત્પાદન દર્શાવ્યું હતું અને તેમની પાસે વધુ અનન્ય પેટન્ટ હતી. ડાબોડી CEO દ્વારા સંચાલિત કંપનીઓ વધુ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખે છે, જે સ્થાનિક કર્મચારીઓ કરતાં વધુ નવીનતાવાળું આઉટપુટ ઉત્પન્ન કરે છે. આ સૂચવે છે કે ડાબોડી CEO વધુ ખુલ્લા મનના હોઈ શકે છે, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને વધુ નવીનતા ચલાવી શકે છે.