ઍપલ ચીનમાંથી પ્રોડક્શન શિફ્ટ કરવા ઇચ્છે છે

05 December, 2022 10:33 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કંપની પ્રોડક્ટના ઍસેમ્બલિંગની વધુ કામગીરી ભારત અને વિયેટનામમાં કરવા પ્લાનિંગ માટે સપ્લાયર્સને કહી રહી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વૉશિંગ્ટન : ચીનમાં તાજેતરમાં થયેલાં વિરોધ પ્રદર્શનોને કારણે હવે ભારતને લાભ થઈ શકે છે. આ વિરોધ પ્રદર્શનને કારણે ઍપલ ચીનમાંથી એની કેટલીક પ્રોડક્શન કામગીરી બીજે લઈ જવાના એના પ્લાન પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ કંપની એની પ્રોડક્ટના ઍસેમ્બલિંગની વધુ કામગીરી એશિયામાં બીજે ક્યાંક, ખાસ કરીને ભારત અને વિયેટનામમાં કરવા પ્લાનિંગ માટે સપ્લાયર્સને કહી રહી છે.

અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ ચર્ચામાં સામેલ લોકોએ એમ પણ જણાવ્યું છે કે ઍપલ ફૉક્સકૉન ટેક્નૉલૉજી ગ્રુપની આગેવાનીમાં તાઇવાનીઝ ઍસેમ્બલર્સ પરની નિર્ભરતા ઘટાડવા પર પણ વિચાર કરી રહ્યું છે.

ચીનમાં આઇફોન સિટી તરીકે ઓળખાતા ઝૅન્ગઝૂમાં આવેલા પ્લાન્ટમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે ઍપલે એની પ્રોડક્શન કામગીરી બીજે ક્યાંક શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ઝૅન્ગઝૂમાં ફૉક્સકૉન દ્વારા ચલાવવામાં આવેલી ફૅક્ટરીમાં ઓછામાં ઓછા ત્રણ લાખ વર્કર્સ કામ કરી રહ્યા છે. જ્યાં આઇફોન્સ અને ઍપલની અન્ય પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહી છે.

નવેમ્બરના અંતમાં દુનિયાની આ સૌથી વિશાળ આઇફોન ફૅક્ટરીમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયું હતું. ફૉક્સકૉનના પ્લાન્ટ ખાતે ઑથોરિટીઝ કોરોનાના ફેલાવાને રોકવા માટે સંઘર્ષ કરી રહી હતી અને એની સાથે જ હૉલિડેની સીઝનને કારણે ઉત્પાદન જાળવી રાખવા માટે પણ ખૂબ દબાણ હતું.

international news china washington apple