28 March, 2026 09:41 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
દુબઈ
તપતા રણપ્રદેશ તરીકે જાણીતા યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નાં શહેરોમાં છેલ્લા બે દિવસથી મોસમે જબરદસ્ત કરવટ લીધી છે. રણના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં શારજાહના રોડ પર નદીઓ વહેવા લાગી છે તો ઓમાન અને આસપાસના વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે. કુદરતના બદલાયેલા મિજાજને કારણે અહીં ગરમ પ્રદેશ ઠંડોગાર થઈ ગયો છે. કુદરતનો આ સુંદર દેખાતો નજારો હકીકતમાં ખતરાની ઘંટડી છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. જ્યાં કાલ સુધી સૂરજ આગ ઓકતો હતો ત્યાં બરફની ચાદર છવાઈ ગઈ છે. UAE અને ખાડીના દેશોનું વાતાવરણ જબરદસ્ત રહસ્યમય થઈ ગયું છે. શારજાહમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં શહેરોના રસ્તા પર પાણી ભરાયાં હતાં અને પવનને કારણે વૃક્ષો ધ્વસ્ત થઈ ગયાં હતાં. અબુ ધાબીમાં પણ ગરમી ગાયબ થઈ ગઈ હતી અને ઠંડા પવન સાથે વરસાદનાં ઝાપટાં પડી ગયાં હતાં. રાસ અલ ખૈમાહ વિસ્તારમાં એટલી કરાવૃષ્ટિ થઈ કે લગભગ ૧૮ ઇંચ જેટલી બરફની ચાદર છવાઈ ગઈ છે. મોસમના આ બદલાવ પાછળ મોટા ખતરાના ભણકારા સંભળાઈ રહ્યા છે.
કતર અને બાહરિનમાં ક્યાંક વરસાદી વાવાઝોડું તો ક્યાંક રેતીનું તોફાન થવાની સંભાવના છે. ઓમાનમાં ઘણે ઠેકાણે કરાવૃષ્ટિને કારણે બરફ છવાયો છે અને હજી આગામી દિવસોમાં ત્રણથી ૬ ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. ૬ ઇંચ વરસાદ સામાન્ય રીતે ઓમાનમાં આખી સીઝનમાં પડે છે.
શુક્રવારે રાતે દુબઈમાં આંધી-તોફાન સાથે વરસાદ પડ્યો હતો. એ દરમ્યાન વીજળીના કડાકા બોલ્યા હતા અને બુર્જ ખલીફા પર વીજળી પડી હતી. દુબઈના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર થયેલાં વિડિયો અને તસવીરો વાઇરલ થયાં હતાં. વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.