08 February, 2026 08:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નકશો
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ-ડીલની જાહેરાતમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઑફિસે ભારતનો જે નકશો પ્રકાશિત કર્યો છે એને કારણે પાકિસ્તાન અને ચીનને ઝટકો લાગ્યો છે.
ભારતના આ નકશામાં દેખીતી રીતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. એમાં ચીન દ્વારા દાવો કરાયેલા અક્સાઈ ચીનને પણ ભારતની અંદર દર્શાવવામાં આવ્યું હતું. ભારત લાંબા સમયથી એની પ્રાદેશિક અખંડિતતા પર જે કહે છે એ સાથે આ નકશો એકદમ સુસંગત છે.
ભૂતકાળમાં અમેરિકન સરકાર અથવા વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં ઘણી વાર PoKને અલગથી ચિહ્નિત કરવામાં આવતું હતું. આમ એ સમયે અમેરિકા ઇસ્લામાબાદને ખુશ રાખતું હતું. જોકે આ વખતે લાંબા સમયથી ચાલતી આ પ્રથાથી અલગ થઈને ટ્રમ્પ-પ્રશાસને નકશામાં આવો કોઈ ભેદ રાખ્યો નથી.
ભારત-અમેરિકા સંબંધોમાં એક સંવેદનશીલ ક્ષણે ટ્રમ્પના નેતૃત્વમાં ભારતનો આખો નકશો પ્રકાશિત કરવાનું પગલું મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લગાવી હતી. હવે આ ટૅરિફ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવી છે જે એશિયામાં સૌથી ઓછી છે.
પાકિસ્તાને ૨૦૨૦માં એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો જેમાં PoK, લદ્દાખના ભાગો, જૂનાગઢ, માણાવદર અને સર ક્રીક પર પોતાનો દાવો કરવામાં આવ્યો હતો. ભારતે આને રાજકીય મૂર્ખાઈ ગણાવીને ફગાવી દીધો હતો. હવે અમેરિકાએ પ્રકાશિત કરેલો ભારતનો નકશો પાકિસ્તાનના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢે છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર માટે આ વધુ શરમજનક છે, કારણ કે પાકિસ્તાનનું લાંબા સમયથી સાથી અમેરિકા હવે ભારતની સરહદોને માન્યતા આપી રહ્યું છે.
ચીનમાં પણ આવી જ સ્થિતિ છે. ઑગસ્ટ ૨૦૨૩માં ચીને એનો સ્ટાન્ડર્ડ નકશો બહાર પાડ્યો હતો, જેમાં અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ અને અક્સાઈ ચીનને એનો પ્રદેશ ગણાવ્યો હતો. ભારતે તરત જ એને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આવા નકશા વાસ્તવિકતા બદલતા નથી. હવે અમેરિકાએ પ્રકાશિત કરેલો ભારતનો નકશો ચીનના દાવાઓને સીધી રીતે પડકારે છે. પ્રેસિડન્ટ શી જિનપિંગ માટે આ એક રાજદ્વારી આંચકો છે, કારણ કે અમેરિકા હવે ભારત સાથે વેપાર-વાટાઘાટો દરમ્યાન ચીનના પ્રાદેશિક દાવાઓને અવગણી રહ્યું છે.