31 December, 2025 12:11 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પીયૂષ ગોયલ
આવતી કાલે ગુરુવારથી ભારત-ઑસ્ટ્રેલિયા ઇકૉનૉમિક કોઑપરેશન ઍન્ડ ટ્રેડ ઍગ્રીમેન્ટ (ECTA) હેઠળ ઑસ્ટ્રેલિયા તમામ ભારતીય નિકાસને ડ્યુટી-ફ્રી ઍક્સેસ આપવા માટે તૈયાર છે એમ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જાહેર કર્યું છે. પીયૂષ ગોયલે તેમની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ૨૦૨૬ની ૧ જાન્યુઆરીથી ભારતીય નિકાસ માટે ૧૦૦ ટકા ઑસ્ટ્રેલિયન ટૅરિફ લાઇન શૂન્ય-ડ્યુટી હશે જે લેબર ઇન્ટેન્સિવ ક્ષેત્રો માટે નવી તકો ખોલશે.
આ મુદ્દે પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષમાં ECTAએ સતત નિકાસ-વૃદ્ધિ, ઊંડી બજાર-પહોંચ અને મજબૂત સપ્લાય-ચેઇનમાં સ્થિતિસ્થાપકતા પ્રદાન કરી છે. એનાથી ભારતીય નિકાસકારો, MSME, ખેડૂતો અને કામદારો બન્નેને ફાયદો થયો છે કારણ કે ૨૦૨૪-’૨૫માં ઑસ્ટ્રેલિયામાં ભારતની નિકાસમાં ૮ ટકાનો વધારો થયો છે. એનાથી ભારતના વેપાર-સંતુલનને સુધારવામાં મદદ મળી છે. એપ્રિલ-નવેમ્બર ૨૦૨૫માં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ૧૬ ટકાનો વધારો થયો છે જેમાં ઉત્પાદન, રસાયણો, કાપડ, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાતમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. કૃષિ-નિકાસમાં વ્યાપક વૃદ્ધિ નોંધાઈ છે જેમાં ફળો અને શાકભાજી, દરિયાઈ ઉત્પાદનો, મસાલા અને કૉફીમાં તીવ્ર વધારો થયો છે.’