✕

પાકિસ્તાન સહિત આ ૩૧ મુસ્લિમ દેશોના પાયલૉટ/કૅબિન ક્રૂ પર ઇઝરાયલી ફ્લાઇટ્સ ઑપરેટ કરવા પર બૅન

14 October, 2026 08:29 PM IST  |  Jerusalem | Gujarati Mid-day Online Correspondent

આ કડક પગલું દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ સાથે સંકળાયેલી એક ગંભીર ઘટના બાદ લેવામાં આવ્યું છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ, ફ્લાઇટ દરમિયાન, હમામ અલ-હમ્મામી નામના ઓમાની કો-પાઇલટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇઝરાયલે તેની હવાઈ સુરક્ષા અને મુસાફરીના નિયમોમાં મોટા ફેરફારો કરીને અત્યાર સુધીનું સૌથી પગલું ભર્યું છે. ઇઝરાયલના નવા નિર્દેશ હેઠળ, ૩૧ દેશોના પાઇલૉટ્સ અને કૅબિન ક્રૂ સભ્યોને ઇઝરાયલ માટેની ફ્લાઇટ્સનું સંચાલન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સુરક્ષાના નવા નિયમો અને બૅન દેશો

ઇઝરાયલના પરિવહન અને માર્ગ સુરક્ષા મંત્રાલયોએ ૧ ઑક્ટોબરના રોજ તમામ વિદેશી ઍરલાઇન્સને નિર્દેશો જાહેર કર્યા હતા. આ નવા નિયમો અનુસાર, ઇઝરાયલની હવાઈ સીમામાં ઉડતા વિમાનોના પાઇલૉટ્સ અને ક્રૂ સભ્યો પાસે એવા દેશોની નાગરિકતા ન હોવી જોઈએ જેની ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. આ પ્રતિબંધમાં કુલ ૩૧ દેશોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા, અલ્જેરિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, ઈરાક, કુવૈત, ઓમાન, કતાર, સીરિયા અને યમન જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. ઍર ફ્રાન્સ અને સ્માર્ટવિંગ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સે ઇઝરાયલના આ નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવાની પુષ્ટિ કરી છે. ઍર ફ્રાન્સે તેના કર્મચારીઓને ચેતવણી આપી છે કે આ આદેશનું પાલન ન કરવાથી સંભવિત પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

ફ્લાયદુબઈની ઘટના બાદ લેવાયેલો નિર્ણય

આ કડક પગલું દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ સાથે સંકળાયેલી એક ગંભીર ઘટના બાદ લેવામાં આવ્યું છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ, ફ્લાઇટ દરમિયાન, હમામ અલ-હમ્મામી નામના ઓમાની કો-પાઇલટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આના કારણે વિમાન અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું હતું. જોકે, ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની સૂઝબૂઝ અને બહાદુરીને કારણે વિમાનમાં સવાર ૧૭૦ મુસાફરોનો જીવ માંડ-માંડ બચી શક્યો હતો. ઇઝરાયલના અધિકારીઓનું માનવું હતું કે કો-પાઇલટનો ઈરાદો વિમાનને ક્રૅશ કરવાનો હતો. સુરક્ષાના આ જોખમને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલ સરકારે ઉડ્ડયન સુરક્ષાને મજબૂત કરવા માટે વિદેશી ક્રૂ સભ્યો પર આ નવો પ્રતિબંધ લાદ્યો છે.

ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ એનાયત થશે

શૂરવીર ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલ સરકાર એનો સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ ‘પ્રેસિડેન્શિયલ અવૉર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝમ’ એનાયત કરશે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝૅક હર્ઝોગે જાહેરાત કરી હતી કે કૅપ્ટન સ્મિત મચ્છર સંપૂર્ણપણે સ્વસ્થ થશે ત્યારે તેને આ સન્માન આપવામાં આવશે.

કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા flydubaiના ઓમાની કો-પાઇલટની ઓળખ જાહેર કરવામાં આવી

flydubaiની ઇઝરાયલ જતી ફ્લાઇટમાં ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કરનારા ઓમાની કો-પાઇલટની ઓળખ જાહેર કરવામાં આવી છે. ૨૯ વર્ષના આ કો-પાઇલટનું નામ હમામ અલ-હમ્મામી છે. આ પાઇલટ વિશે કરવામાં આવેલી તપાસમાં તેના ભૂતકાળના રેકૉર્ડની અને તેના કથિત કટ્ટરપંથી વિચારોની જાણકારી બહાર આવી છે. તેને ઓમાન 
ઍરમાં ફ્લાઇટ-ટ્રેઇનિંગમાંથી પણ દૂર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને flydubaiમાં કામ મળ્યું હતું. 

કોણ છે હમામ અલ-હમ્મામી?

હમામ અલ-હમ્મામી ઓમાનનો નાગરિક છે. તેનો જન્મ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં થયો હતો. તેના પિતા ઓમાની છે અને માતા સિરિયન છે. તેનું ભણતર ઇંગ્લૅન્ડમાં થયું હતું. તે વેકેશનમાં સિરિયા જતો હતો.

israel pakistan tel aviv turkey jihad kuwait oman dubai plane crash international news