12 February, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ વિશ્વના ૧૮૦ દેશોમાં ભ્રષ્ટાચાર અંગે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ભારતનો સ્કોર સુધર્યો છે. ભારતનો ભ્રષ્ટાચાર-સ્કોર ૩૯ છે જે વિશ્વમાં ૯૧મા ક્રમે છે અને ગયા વર્ષના ૯૨થી નીચે છે.
અમેરિકા, યુનાઇટેડ કિંગડમ (UK) અને યુરોપમાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવાનું વચન આપ્યું હોવા છતાં અમેરિકાનો સ્કોર પણ ઘટ્યો છે. ૨૦૨૪માં ભ્રષ્ટાચાર માટે અમેરિકા વૈશ્વિક સ્તરે ૨૮મા ક્રમે હતું. હવે એ ઘટીને ૨૯મા ક્રમે આવી ગયું છે. ડેન્માર્ક વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારના કેસ સૌથી ઓછા નોંધાયા છે. સાઉથ સુદાન અને સોમાલિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો છે.
તમામ પગલાં લેવા છતાં ચીનમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો થયો નથી. ચીનનો સ્કોર પહેલાંની જેમ જ ૪૩ રહે છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ચીન ૭૬મા ક્રમે છે.
આ સર્વે મુખ્યત્વે ચાર પરિબળો પર આધારિત છે, જેમાં લોકશાહી સંસ્થાઓને રાજકીય દાન, સંસ્થાઓની સ્થિતિ, રોકડ ચુકવણી અને પત્રકારોને રાજ્ય દ્વારા નિશાન બનાવવાના કેસનો સમાવેશ છે.