16 July, 2026 11:00 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ કિંગડમ (UK)માં બ્રિટિશ સિટી કાઉન્સિલ પીટરબરોમાં છેલ્લા ૪ દાયકાથી હિન્દુ સમાજ જ્યાં મંદિર ચલાવતો હતો એ જગ્યાને એક મુસ્લિમ સંસ્થાને મસ્જિદ બાંધવા માટે વેચી દેવામાં આવ્યા બાદ વિવાદ થયો છે. UK ઇસ્લામિક મિશન (UKIM)એ ૧૪ લાખ પાઉન્ડ (૧૮ કરોડ રૂપિયા)ની બોલી લગાવી હતી, જ્યારે મંદિરે ૯ લાખ પાઉન્ડની ઑફર મૂકી હતી. કાઉન્સિલે જણાવ્યું હતું કે એને પૈસાની જરૂર હોવાથી ઊંચી બોલી લગાવનારાની ઑફર સ્વીકારી લેવામાં આવી હતી. હવે હાઈ કોર્ટમાં આ વેચાણને પડકારવામાં આવ્યું છે.
કાઉન્સિલે હિન્દુ મંદિર ધરાવતા સંકુલને મુસ્લિમ સંસ્થાને વેચવાના એના વિવાદાસ્પદ નિર્ણયનો બચાવ કર્યો છે અને હાઈ કોર્ટ સમક્ષ દલીલ કરી કે ‘સ્થાનિક હિન્દુ સમુદાયના ઉગ્ર વિરોધ છતાં આ પગલું કાયદેસર છે. પીટરબરો કાઉન્સિલ મુશ્કેલીમાં છે અને એને પૈસાની જરૂર છે. હિન્દુ સમુદાય ૩૫ માઇલની ત્રિજ્યામાં પોતાનું એકમાત્ર મંદિર ગુમાવશે એ હકીકત આ નિર્ણયને ગેરકાયદે બનાવતી નથી.’
વિવાદના કેન્દ્રમાં પીટરબરોનું ન્યુ ઇંગ્લૅન્ડ કૉમ્પ્લેક્સ છે જ્યાં ભારત હિન્દુ સમાજ (BHS) ૧૯૮૬થી મંદિર ચલાવે છે.
ભારત હિન્દુ સમાજ (BHS) માટે આ વિવાદ પીડાદાયક રહ્યો છે, કારણ કે સંસ્થાએ આ સ્થળને ખરીદવા માટે વર્ષોની રાહ જોઈ હતી. કોર્ટમાં રજૂ કરાયેલાં નિવેદનો અનુસાર BHS આ સ્થળ મેળવવા માટે લગભગ એક દાયકાથી કાઉન્સિલ સાથે વાટાઘાટો કરી રહ્યું હતું. જ્યારે બોલીઓ મગાવવામાં આવી ત્યારે UKIMએ ૧૪ લાખ પાઉન્ડ (આશરે ૧૮ કરોડ રૂપિયા)ની ઑફર કરી અને ૫૦ લાખ પાઉન્ડથી વધુ ભંડોળ મેળવવાના પુરાવા આપ્યા. ભારત હિન્દુ સમાજે ૯,૦૦,૦૦૦ પાઉન્ડ ઉપરાંત એની સમુદાય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વધારાના સામાજિક-મૂલ્ય પૅકેજની ઑફર કરી હતી.