02 November, 2025 02:02 PM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લંડનના ૭૦ વર્ષના નૉન રેસિડન્ટ ઇન્ડિયન (NRI)ની ૧૦ વર્ષની બાળકી પર બે વર્ષ સુધી બળાત્કાર કરવા બદલ અને હ્યુમન ટ્રાફિકિંગના આરોપસર ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હદ તો એ છે કે બાળકીની મમ્મી જ બાળકીને આ NRI પાસે મોકલતી હતી. આ કેસમાં બાળકીની મમ્મીની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર NRI બાળકીની મમ્મીને દર મહિને કરિયાણાનો સામાન ભરી આપતો હતો અને ભાડાના ઘરની ડિપોઝિટ પણ આપી હતી એટલે બાળકીની મમ્મી NRI જેટલી વાર ભારતમાં આવે એટલી વાર તેની સાથે રહેવા માટે બાળકીને દબાણ કરતી હતી. શુક્રવારે વહેલી સવારે તળોજા ખાતે તેના ઘરે દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ફારુક અલ્લાઉદ્દીન શેખ નામનો આરોપી મૂળ પુડુચેરીનો રહેવાસી છે, પરંતુ હાલ તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. બે વર્ષ પહેલાં શેખે સેક્ટર ૨૦માં એક ફ્લૅટ ખરીદ્યો હતો અને દર થોડા મહિને થોડા દિવસો માટે ત્યાં જતો હતો. AHTUને સોમવાર અને મંગળવારે બાળકીને તેના ફ્લૅટ પર મોકલવામાં આવી હોવાની બાતમી મળી હતી.
પોલીસને તેના કબાટમાંથી ચાર સેક્સ-ટૉય અને વાયગ્રા ગોળીઓ તેમ જ ડ્રેસિંગ ટેબલ પર એક સેક્સ-ટૉય મળી આવ્યાં હતાં. ઉપરાંત દારૂની બૉટલો પણ મળી આવી હતી. આરોપી બાળકીને દારૂ પીવાની ફરજ પણ પાડતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. ૪ નવેમ્બર સુધી આરોપીઓને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવશે.