14 March, 2026 12:23 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલમાં જોવા મળેલા યુએસ એરફોર્સ બોઇંગ કેસી-૧૩૫ સ્ટ્રેટોટેન્કર એરિયલ રિફ્યુઅલિંગ ટેન્કરની સોશ્યલ મીડિયા પરથી લેવાયેલી તસવીર
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકન ઍરફોર્સનું સૌથી શક્તિશાળી ઍર રીફ્યુઅલિંગ ઍરક્રાફ્ટ KC-135 ફ્યુઅલ ટૅન્કર વિમાન ક્રૅશ થયું છે. અમેરિકન સેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિમાનમાં સવાર છમાંથી ૪ જણનાં મૃત્યુ થયાં છે. બચાવટીમોએ અકસ્માત બાદ શોધખોળ હાથ ધરી હતી. આ ઘટના ‘ઑપરેશન એપિક ફ્યુરી’ દરમ્યાન બની હતી. ક્રૅશ પહેલાંના ફ્લાઇટ ટ્રૅકિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે KC-135 ઍરક્રાફ્ટે ફ્લાઇટ દરમેયાન કટોકટી જાહેર કરી હતી. એના થોડા સમય પછી વિમાન ક્રૅશ થયું હતું.
KC-135 ટૅન્કર વિમાન ક્રૅશ થયું હતું કે ઈરાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો એ વિશે અનિશ્ચિતતા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને એને ગોળી મારી હતી, જ્યારે અમેરિકાએ આ વાતનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર મિશનમાં બે વિમાન સામેલ હતાં. એક વિમાન સુરક્ષિત રીતે ઊતર્યું હતું. જોકે બીજું વિમાન પશ્ચિમ ઇરાકમાં ક્રૅશ થયું હતું. સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે એ માનવભૂલનું પરિણામ નથી. ક્રૅશનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.
અમેરિકન સૈન્યએ એને મોટું નુકસાન ગણાવ્યું છે. આ વિમાનને અમેરિકન ઍરફોર્સની કરોડરજ્જુ માનવામાં આવે છે. એ હવામાં અન્ય ફાઇટર જેટ અને બૉમ્બર્સને ઈંધણ પૂરું પાડે છે. ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડતું આ વિમાન હજારો કિલો ઈંધણ વહન કરી શકે છે. આનાથી ફાઇટર જેટ લૅન્ડ કર્યા વિના લાંબા અંતરના હુમલા કરી શકે છે.