✕

વિશ્વના ૩૩ દેશોએ યુદ્ધના ખતરા વચ્ચે નાગરિકોને ત્રણથી ૧૦ દિવસ માટેની ઇમર્જન્સી કિટ તૈયાર રાખવાની ભલામણ કરી

30 October, 2026 12:06 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

યુદ્ધ, સાઇબર અટૅક, ગ્લોબર વૉર્મિંગ જેવી આફતો સામે સજ્જ રહેવાની હાકલ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં મંડરાઈ રહેલાં યુદ્ધનાં વાદળો, સાઇબર હુમલા અને ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતા કુદરતી આફતોના ખતરા વચ્ચે ભારત સહિત વિશ્વના કુલ ૩૩ દેશોએ પોતાના નાગરિકોને અત્યારથી જ ઇમર્જન્સી કિટ તૈયાર રાખવાની ભલામણ કરી છે. એક અહેવાલ મુજબ આ યાદીમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કૅનેડા, જપાન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા અનેક મોટા દેશોનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન કમિશને પણ વધતા ભૌગોલિક રાજકીય તનાવને ધ્યાનમાં રાખીને પ્રિપેર્ડનેસ યુનિયન સ્ટ્રૅટેજી જાહેર કરી હતી. 

જુદા-જુદા દેશોએ કટોકટીના સમયગાળા માટે અલગ-અલગ માર્ગદર્શિકા બહાર પાડી હતી. ફ્રાન્સ, બ્રિટન, કૅનેડા, જપાન, મેક્સિકો અને નેધરલૅન્ડ્સે પોતાના નાગરિકોને ૭૨ કલાક ચાલે એટલો અનાજ અને દવાનો જથ્થો ઘરમાં સંગ્રહ કરવા જણાવ્યું હતું; જ્યારે સ્વીડન અને નૉર્વેએ એક અઠવાડિયા માટે અને જર્મનીએ ૧૦ દિવસ સુધી ચાલે એટલી ખાદ્ય સામગ્રી એકઠી કરવા સૂચના આપી હતી. બ્રિટનના વડા પ્રધાન ઍન્ડી બર્નહામે રેડિયો પર લોકોને ખાસ કઠોળ અને સૂપનો સંગ્રહ કરવાની અપીલ કરી હતી. 

ભારતમાં પણ NDMAએ કરી ભલામણ
ભારતની નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA)એ પણ દેશના દરેક ઘરમાં આપત્તિ વ્યવસ્થાપન કિટ રાખવાની ખાસ ભલામણ કરી છે. વિશ્વના તમામ ૩૩ દેશોની સરકારોએ સ્પષ્ટ કર્યું છે કે આ ઇમર્જન્સી કિટમાં જલદી બગડે નહીં એવો ખોરાક, પીવાનું પાણી, જરૂરી દવાઓ, બેટરી, ફ્લૅશલાઇટ અને રેડિયો હોવાં અત્યંત જરૂરી છે.

international news world news france united states of america great britain germany japan