08 February, 2026 09:23 AM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent
ભીષણ આગ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે ભીષણ આગ લાગતાં લગભગ ૨૦૦ વર્ષ જૂનું ગિરડ માતાનું મંદિર બળીને ખાખ થઈ ગયું હતું. આગ એટલી વિનાશક હતી કે એણે થોડા જ સમયમાં આખા મંદિરને પોતાની લપેટમાં લઈ લીધું હતું. મંદિરની આસપાસ બરફ છવાઈ ગયો હોવાથી સ્થાનિક રહેવાસીઓને આગ ઓલવવાની તક પણ મળી નહોતી. મંદિરની અંદર સ્થાપિત લગભગ બધી મૂર્તિઓ આગમાં નાશ પામી હતી. જોકે એવો અંદાજ છે કે મુખ્ય મૂર્તિ નીચે પડી જવાને કારણે આંશિક રીતે બચી ગઈ હશે.
હિમાચલ પ્રદેશના ભરમૌરમાં બેલજ ખીણમાં આવેલું પ્રખ્યાત મા ગિરડ માતાનું ઐતિહાસિક મંદિર ભક્તો માટે ઊંડી શ્રદ્ધાનું કેન્દ્ર હતું. ભાવિક દ્વારા કરવામાં આવેલા ધૂપ-દીપને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ ઐતિહાસિક મંદિર દેવદારનાં લાકડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને આગમાં નુકસાન થવાથી આ વિસ્તારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને મોટો ફટકો પડ્યો હતો. સ્થાનિક નેતાઓએ નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવાની માગણી કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.