21 February, 2026 08:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલી ગાઝા માટેની ‘બોર્ડ ઑફ પીસ’ની પહેલી બેઠકમાં ભારતે ગુરુવારે ‘ઑબ્ઝર્વર’ દેશ તરીકે હાજરી આપી હતી. ભારત ટ્રમ્પની ગાઝા પટ્ટીના પુનર્વિકાસ માટે સ્થાપિત પહેલમાં જોડાયું નથી. વૉશિંગ્ટન DCમાં ડોનલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ ખાતે આયોજિત બેઠકમાં ભારતીય દૂતાવાસના નામગ્યા ખમ્પાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ટ્રમ્પ ‘બોર્ડ ઑફ પીસ’ પર વીટો પાવરનો ઉપયોગ કરશે અને પદ છોડ્યા પછી પણ એના વડા રહી શકે છે, જ્યારે બે વર્ષના કાર્યકાળને બદલે કાયમી સભ્યપદ મેળવવા માગતા દેશોએ એક અબજ ડૉલર ચૂકવવા પડશે. ૧૭ જાન્યુઆરીના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા એક્ઝિક્યુટિવ બોર્ડમાં રાજદ્વારીઓ અને ફાઇનૅન્સર્સનું મિશ્રણ છે, જેમાં અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો અને વર્લ્ડ બૅન્કના પ્રમુખ અજય બંગાનો સમાવેશ થાય છે.
‘બોર્ડ ઑફ પીસ’ની પહેલી બેઠકમાં ટ્રમ્પે યુનાઇટેડ નેશન્સ, નોબેલ શાંતિ પુરસ્કાર અને યુવાન, હૅન્ડસમ પુરુષો સહિત વિવિધ વિષયો પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં ટ્રમ્પે પારાગ્વેના પ્રેસિડન્ટ સૅન્ટિયેગો પેનાનો બેઠકમાં હાજરી આપવા બદલ આભાર માન્યો હતો. આભાર માનતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘પ્રેસિડન્ટ, ખૂબ-ખૂબ આભાર. તમે યુવાન અને હૅન્ડસમ છો. યુવાન અને હૅન્ડસમ રહેવું હંમેશા સારું લાગે છે.’
આટલું કહ્યા પછી ટ્રમ્પે ઉમેર્યું હતું કે ‘એનો અર્થ એ નથી કે મારે તમને પસંદ કરવા જ પડે. મને યુવાન, હૅન્ડસમ પુરુષો પસંદ નથી.’
તેમણે ઉમેર્યું કે ‘મહિલાઓ? મને તેઓ ગમે છે. પુરુષો, નહીં, મને તેમનામાં રસ નથી.’
આટલું કહ્યા બાદ ટ્રમ્પે હળવું સ્માઇલ કર્યું હતું.