૧૨૦ રૂપિયા નહોતા એટલે ૫૬ લાખના હીરા ગુમાવ્યા

26 January, 2020 08:28 AM IST  |  Navsari

૧૨૦ રૂપિયા નહોતા એટલે ૫૬ લાખના હીરા ગુમાવ્યા

નવસારી શહેરના સાંઢકૂવા વિસ્તારમાં મંગળવારે ૨૧મીએ સાંજે હીરાના વેપારી પાસેથી ૩ બુકાનીધારી ૬૦ લાખ રૂપિયાના હીરા ભરેલી બૅગ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. આરોપીને પકડવા માટે નવસારી પોલીસ પોતાની બુદ્ધિચાતુર્ય વાપરીને અલગ-અલગ ટીમો બનાવીને કામે લાગી હતી, પરંતુ આશ્ચર્ય પમાડે એમ હજામતની દુકાન ચલાવનાર પોલીસને હીરાના બૉક્સવાળી એક થેલી આપી સાથે કડી પણ આપી ગયો હતો જેના આધારે એક આરોપી પકડાઈ ગયો છે.

નવસારી શહેરમાં સુરેશ શાહ નામના હીરાના વેપારી પાસેથી ગયા મંગળવારે સાંજે ત્રણ ઇસમો ૬૦ લાખ રૂપિયાની કિંમતના ૩૦૦૦ કૅરેટના હીરા ભરેલી બૅગ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. પોલીસે તાત્કાલિક સમગ્ર રેન્જમાં નાકાબંધી કરીને વાહન - ચેકિંગના આદેશ આપ્યા હતા.

અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. પોલીસની તપાસ દરમ્યાન વિજલપોર શહેરમાં હજામતની દુકાન ચલાવનાર નટવર નાઈને ત્યાં લૂંટનો આરોપી પરબત દેસાઈ ૨૩મીએ વાળ કપાવવા આવેલો અને તેણે વાળ કપાવીને વાળને કલર કરાવ્યા હતા જેના ૧૨૦ માગતાં પરબત દેસાઈએ હાલમાં પૈસા નથી, હું ૧૦ મિનિટમાં પૈસા લઈને આવું છું, તું આ થેલી રાખ એમ કહીને તે થેલી મૂકી ગયો હતો અને પાછો લેવા આવ્યો નહોતો જેથી નાઈને શંકા જતાં તેણે થેલીમાં જોતાં ૪૨ જેટલાં હીરાનાં પડીકાં દેખાતાં પોલીસ-સ્ટેશને જઈને રજૂ કર્યાં હતાં. પોલીસે પરબત દેસાઈની તપાસ કરતાં લૂંટનો ભેદ ઉકેલાયો હતો અને એ દિશામાં તપાસ કરતાં ચોથો આરોપી હીરાભાઈ સોમાભાઈ ચૌધરી મળી આવ્યો છે, જ્યારે નાઈને ત્યાં હીરા મૂકી જનાર પરબત દેસાઈ અને લૂંટમાં સામેલ અન્ય બે આરોપી મેહુલ બારોટ અને હરજીભાઈ કરસનભાઈ ચૌધરી હજી પોલીસની પકડથી દૂર છે.

Crime News navsari