માંડવી-ઓખા વચ્ચેની મુસાફરી હવે બારને બદલે એક કલાકમાં

06 December, 2015 04:37 AM IST  | 

માંડવી-ઓખા વચ્ચેની મુસાફરી હવે બારને બદલે એક કલાકમાં




ઉત્સવ વૈદ્ય


કચ્છને જેની લાંબા સમયથી પ્રતીક્ષા છે એવી માંડવીથી ઓખાને જોડતી ફેરી-સર્વિસ ચાલુ મહિનાની બાવીસ તારીખથી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. આ ફેરી-સર્વિસ ખાસ કરીને સૌરાષ્ટ્રના ઓખા-જામનગર-દ્વારકા જેવાં સ્થળોના કચ્છમાં સ્થાયી થયેલા પરિવારો માટે આર્શીવાદ સમાન સાબિત થશે, કારણ કે કચ્છ-જામનગર વચ્ચેનું ૧૨ કલાકનું અંતર દરિયાઈ રસ્તે માત્ર એક કલાકમાં કાપી શકાશે. કચ્છ સાગર સેતુ નામની કંપની દ્વારા આ સર્વિસ ઓખા પોર્ટથી કચ્છના બંદરીય શહેર માંડવી સુધી ચલાવવામાં આવશે અને આ બન્ને સ્થળો વચ્ચેનું ૨૪ દરિયાઈ માઇલનું અંતર માત્ર એક કલાકમાં જ કાપી શકાશે.

આ ફેરી-સર્વિસ શરૂ થવાથી કચ્છમાં ખાસ કરીને માંડવી ખાતે પ્રર્યટન ઉદ્યોગનો વિકાસ થશે. માંડવી-ઓખા વચ્ચે ફેરી-સર્વિસ શરૂ કરવાનું આયોજન છેલ્લા ચાર દાયકાથી થતું હતું અને એકાદ-બે વાર એ પ્રાયોગિક ધોરણે શરૂ પણ કરવામાં આવી હતી, પણ એને એક યા બીજા કારણસર બંધ કરવી પડી હતી. જોકે હવે પરિસ્થિતિમાં ખાસ્સો ફેરફાર થયો છે. લોકો પ્રવાસનનું મહત્વ સમજ્યા છે અને કચ્છમાં સ્થપાઈ રહેલા ઉદ્યોગોને કારણે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ કચ્છમાં સ્થાયી થયા છે એથી આ ફેરી-સર્વિસ ચોક્કસપણે કાયમી ધોરણે ચાલુ રહી શકશે.

આ ઉપરાંત ખાસ કરીને દ્વારકા દર્શન કરવા જનારા લોકો માટે પણ માંડવી-ઓખા ફેરી-સર્વિસ ખૂબ ઉપયોગી બની રહેશે, કારણ કે ઓખાથી દ્વારકા વચ્ચેનું અંતર માત્ર ૩૨ કિલોમીટરનું છે.

મળતી વિગતો પ્રમાણે આ ફેરી-સર્વિસ ઓખાથી સવારે સાત વાગ્યે ઊપડશે અને ૮.૧૫ વાગ્યે માંડવી પહોંચી જશે. માંડવીથી એ સવારે સાડાઆઠ વાગ્યે ઊપડીને પોણાદસ વાગ્યે તો ઓખા પરત પહોંચી જશે. સવાર ઉપરાંત સાંજની ફેરી ઉપાડવાનું પણ આયોજન છે જે મુજબ ઓખાથી આ ફેરી-સર્વિસ સાંજે સવાચાર વાગ્યે ઊપડીને લગભગ પોણાછ વાગ્યે માંડવી પહોંચી જશે. આ ફેરી-સર્વિસ શરૂ કરવાના આયોજનમાં ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત મૅરિટાઇમ બોર્ડ અને શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનો સહયોગ પણ મળ્યોછે.

આ બોટમાં ૨૨૦ ઉતારુઓની ક્ષમતા રાખવામાં આવી છે જેમાંથી ૧૦૦ જેટલી બેઠકો ઍરકન્ડિશન્ડ હશે જ્યારે ૫૦ બેઠકો પ્રથમ શ્રેણીની વાતાનુકૂલિત બેઠકો અને ૫૦ સાદી બેઠકો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ દરિયાઈ સફર માટે ૫૦૦ રૂપિયાથી ૯૦૦ રૂપિયા જેટલી ટિકિટ શ્રેણીના વર્ગ પ્રમાણે રાખવામાં આવી છે. આ ફેરી-સર્વિસનું ઑનલાઇન બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે

કચ્છ માટે દરિયાઈ સફર કોઈ નવી વાત નથી. ખમીરવંતા કચ્છીઓએ સાત સમંદર પાર કર્યા છે. દરિયાઈ આવાગમન સાથે કચ્છનો પાંચ હજાર વર્ષ જૂનો નાતો છે. ભૂતકાળમાં કંડલા-ઓખા વચ્ચે ફેરી-સર્વિસ ચાલતી અને જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સૂરજબારી પુલનું નિર્માણ નહોતું થયું ત્યારે જામનગર કે રાજકોટ જવા અનેક લોકો કંડલાથી ઓખા ફેરી-સર્વિસમાં જતા. જૂની પેઢીના લોકોએ પોતાની લ્લ્ઘ્ની પરીક્ષા આ ફેરી-સર્વિસમાં ઓખા પહોંચીને ત્યાંથી રાજકોટ જઈને આપી હતી.