27 February, 2012 03:07 AM IST |
૨,૧૮,૦૦૦ ચોરસ મીટર વિસ્તાર ધરાવતી લાજપોર મધ્યસ્થ જેલના બાંધકામ પાછળ ૭૨.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જેલમાં ૧૩૪ પુરુષો અને ૧૦ મહિલાઓ એમ કુલ ૧૪૪ બૅરેક્સ ઉપરાંત ૮૭ હાર્ડકોર સેલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં એક્સ-રે, માઇનર ઑપરેશન-રૂમ, પૅથોલૉજી લૅબ અને ડેન્ટલ વિભાગની સુવિધા સહિતની ૪૮ બેડ સાથેની અદ્યતન હૉસ્પિટલની વ્યવસ્થા છે. આ જેલમાં આધુનિક રસોડું, વાંચનાલય, ક્રીડાંગણ, ઉદ્યોગવિભાગ અને તાલીમ-કેન્દ્ર તો છે, સાથોસાથ સલામતી-વ્યવસ્થા પર નજર રાખવા માટે સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા, હેવી ડ્યુટી જનરેટર સેટ, વૉચ ટાવર, સાયરન અને સ્ટ્રૉન્ગ રૂમ જેવી સગવડ પણ છે. અહીં જેલ સંકુલની ચહલપહલ પર ચાંપતી નજર રાખી શકાય એ માટે સુવિધાથી સજ્જ ઑફિસરો તહેનાત કરવામાં આવ્યા છે અને તેમની રહેવાની સગવડ માટે ૧૨૪ ક્વૉર્ટર્સ, બૅરેક્સ, જેલની છ દુકાનો, શુદ્ધ પાણી માટેનો આરઓ પ્લાન્ટ, રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વૉટર કુલર અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાનની પણ વ્યવસ્થા છે.
સુરતમાં ગઈ કાલે મધ્યસ્થ જેલના લોકાર્પણ સમારોહમાં આક્રોશ વ્યક્ત કરતાં તેમણે છાશવારે માનવ અધિકારોના નામે ગુજરાતને બદનામ કરનારાં તત્વોની માનસિકતાની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૬ કરોડ ગુજરાતીઓએ શાંતિ, એકતા અને ભાઈચારાની આંતરઊર્જાથી વિકાસનાં નવાં કીર્તિમાન અંકે કર્યા હોવા છતાં પાંચ-પચીસ ગુજરાતવિરોધી તત્વો આજે પણ શાંતિના વાતાવરણને ડહોળવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અને કારણ વગર પેંતરા રચી રહ્યા છે.’
મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે ગુજરાતના સુરતના લાજપોરમાં આવેલી આ સૌથી મોટી અને આધુનિક સેન્ટ્રલ જેલનું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે ‘ભારતની આ સૌપ્રથમ હાઈ-ટેક જેલ છે, જેમાં બંદીવાનોને જીવન સુધારવાની પ્રેરણા મળશે. માનવ અધિકારોની રક્ષા કરવા માટે ગુજરાત કેટલું જાગ્રત છે એની પ્રતીતિ આ જેલમાંથી થશે.’
તેમણે જેલના અવલોકન દરમ્યાન જેલના ઇન્સ્પેક્ટર જનરલ પી.સી. ઠાકુરને અભિનંદન આપ્યાં હતાં. મુખ્ય પ્રધાન આ જેલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બહુ પ્રભાવિત થયા હતા. તેમણે કેદીઓએ બનાવેલાં હાથ-રૂમાલ, ચાદર, શેતરંજી, ટુવાલ, સાબુ, ક્લીનિંગ અને વૉશિંગ પાઉડર, પૅન્ટ-શર્ટ, રૂનાં ગાદલાં, રજાઈ અને ડ્રેસ જેવી ઘરવપરાશની ચીજવસ્તુઓનું પ્રદર્શન રસપૂર્વક નિહાળીને આ પ્રયાસનાં વખાણ કર્યા હતાં.