સગી ભાભીની હત્યાના આરોપમાંથી ગૉડમધર-પુત્ર કરણ જાડેજા દોષમુક્ત

01 December, 2011 05:38 AM IST  | 

સગી ભાભીની હત્યાના આરોપમાંથી ગૉડમધર-પુત્ર કરણ જાડેજા દોષમુક્ત

 

દોષમુક્ત જાહેર થયા પછી કરણ જાડેજાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આજે બહાર ભલે આવી ગયો, પણ મારા માટે હજીયે એ જાણવું મહત્વનું છે કે મારાં ભાભીનું મર્ડર કોણે કર્યું? હવે હું પોલીસની પાસે આ બાબતનો જવાબ માગીશ અને નવેસરથી તપાસ શરૂ થાય એ માટે ર્કોટને રિક્વેસ્ટ કરીશ.’

આ ચુકાદાથી ગુજરાત સરકારને ફટકો પડ્યો છે. રેખા જાડેજા સંતોકબહેન જાડેજાના સૌથી મોટા દીકરા કાંધલ જાડેજાની પત્ની હતી. રેખા જાડેજાની હત્યા પછી પોલીસે કરણ જાડેજાને બાંદરાના એક બારમાંથી પકડ્યો હતો.

૨૦૦૬ની ૨૭ મેના રોજ વહેલી સવારે ૬.૪૫ વાગ્યે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીના પોતાના જ બંગલાના ફળિયામાં રેખા કાંધલ જાડેજા પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કરીને તેનું મર્ડર કર્યું હતું. મર્ડરની આ ફરિયાદ સંતોકબહેનના સૌથી નાના દીકરા ભોજા જાડેજાએ પોલીસમાં લખાવી હતી. તપાસ દરમ્યાન પોલીસ એવા તારણ પર પહોંચી હતી કે સંતોકબહેનના બધા જ બિઝનેસનું સંચાલન કરતાં રેખા જાડેજાની હત્યા તેના જ સગા દિયર કરણ જાડેજાએ કરી છે. પોલીસે એવું પણ તારણ કાઢ્યું હતું કે રેખા જાડેજા અને કરણ વચ્ચે પૈસાની બાબતમાં અણબનાવ બનતા હોવાથી કરણે રેખાની હત્યા કરી હતી. જોકે ગઈ કાલે સેશન્સ ર્કોટે એ બધાં તારણો નકારી કાઢ્યાં હતાં અને રાજકોટ પોલીસનાં આ તારણોવાળા પુરાવાઓને અને ‘જો’ અને ‘તો’વાળા આ બધા મુદ્દાને અવગણીને દાર્શનિક પુરાવાઓનો અભાવ ગણાવીને કરણ જાડેજાને દોષમુક્ત કર્યો હતો.