જામનગર બેઠકમાં રિવાબાની ટિકિટને લઈને વિવાદ

26 March, 2019 09:35 AM IST  | 

જામનગર બેઠકમાં રિવાબાની ટિકિટને લઈને વિવાદ

રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ ન મળતાં વિવાદ

જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ ન મળતાં વિવાદ વકર્યો છે. નૅશનલ વુમન્સ પાર્ટીનાં પ્રદેશ મહિલા પ્રમુખ ભાવનાબા દ્વારા સોશ્યલ મીડિયામાં વિવાદિત નિવેદન આપતો વિડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘બીજેપીએ સીટના બહાને રીવાબાને લૉલીપૉપ આપી છે. આ એક રાજપૂત મહિલાનું અપમાન છે.’ 

વાઇરલ કરાયેલા વિડિયોમાં ભાવનાબાએ કહ્યું કે ‘બીજેપીએ તમામ રાજપૂત મહિલાઓનું અપમાન કર્યું છે. રાજપૂત મહિલાઓએ હવે તલવાર ઉઠાવવાનો વારો આવી ગયો છે.’ ભાવનાબાએ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત પણ કરી હતી.
રીવાબા જાડેજાએ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોનો જવાબ આપ્યો હતો. તેમણે પણ ભાવનાબાનો જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો અને કહ્યું હતું કે ‘મારા નામનો ઉપયોગ કરીને ભાવનાબા પોતાની વ્યક્તિગત મહkવાકાંક્ષા પૂરી કરવા માગે છે. ભાવનાબા દ્વારા ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.’

મહત્વનું છે કે વડા પ્રધાન મોદીની જામનગરની સભાના એક દિવસ પહેલાં રીવાબા ભાજપમાં જોડાયાં હતાં. સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને બીજેપી જામનગરથી ચૂંટણીમાં ઉતારે એવી પણ શક્યતા હતી. જોકે બીજેપીએ પૂનમ માડમને રિપિટ કર્યા હતાં.